લોહારિયામાં મહિલા સભામાં રોજિંદા જીવનને સ્પર્શતા મુદ્દા રજૂ કરાયા

અંજાર, તા. 15 : તાલુકાના લોહારિયા ગ્રામ પંચાયત અને કચ્છ મહિલા વિકાસ સંગઠનના સંયુક્ત પ્રયાસથી મહિલા સભા યોજાઈ હતી. જેમાં ખાસ કરીને રોજિંદા જીવન પર તેની અસર પડે એવા પંડીત દીનદયાળ જાહેર વિતરણ વ્યવસ્થામાં ઊભી થયેલી અડચણોની રજૂઆત સાથે બી.પી.એલ. યાદીવાળા લાભાર્થી હોવા છતાં નિયમ મુજબ અનાજ ઓછું મળે છે અને જરૂરિયાતમંદ લોકોને અનાજ મળતું બંધ થઈ ગયેલું છે તેવી રજૂઆતો થઈ  હતી. વ્યક્તિઓ બી.પી.એલ. લાભાર્થી છે અને ઉજ્જવલા યોજનાની યાદીમાં લાભાર્થીનું નામ પણ છે તથા સાત માસથી અરજી કરી છે તો પણ યોજનાનો લાભ મળ્યો નથી. ગામમાં વગદાર લોકોને બધું મળી જાય છે. જ્યારે જરૂરતમંદ લોકો યોજનાથી વંચિત રહી જાય છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓની સલામતી પર (આરોગ્ય) અસર જોવા મળે છે. ત્યારે મહિલાઓની જ્ઞાતિ પ્રમાણે સપોર્ટ સમિતિ બનાવવી જોઈએ એવી માગણી કરી તત્કાલ કમિટીની રચના કરી તેની ભૂમિકા નક્કી કરવામાં આવી હતી. મહિલાઓની સલામતીના મુદ્દાઓ પર કામગીરી કરવાનું નક્કી કરી દર બે મહિને મહિલા સભા યોજવી તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં 36 બહેનો હાજર હતી. દીનાબેન ધોળુ અને કેતલબેન ભટ્ટે મહિલા સભામાં માહિતી માર્ગદર્શન આપ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer