નખત્રાણા તા.પં.નું 6.83 કરોડની પુરાંત ધરાવતું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર

નખત્રાણા તા.પં.નું 6.83 કરોડની પુરાંત ધરાવતું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર
નખત્રાણા, તા. 6 : અહીં તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન ડી. પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. આ સભામાં 60.37 કરોડ-6.83 કરોડ પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર થયું હતું. બજેટમાં ખેતીવાડી, શિક્ષણ, પશુપાલન, આઇ.સી.ડી.એસ. સહિત વિવિધ વિકાસકામો માટે જરૂરી જોગવાઇ સાથે રૂા. 35 લાખના સ્ટેમ્પ ડયૂટીના વિકાસના કામો ઠરાવાયા હતા. પ્રમુખ નયનાબેને અધ્યક્ષ સ્થાનેથી બજેટ રજૂ કર્યા હતા.  વિપક્ષી નેતા અશ્વિનભાઇ રૂપારેલે હળીમળીને અછતની પરિસ્થિતિને એકસંપ થઇને સૌના સાથ-સહકારથી પાર પાડવા સર્વાનુમતે પસાર કરવા જાહેર કર્યું હતું. તો પ્રમુખે પણ સર્વેને વિશ્વાસમાં લઇ પ્રશ્નોના નિકાલની ખાતરી આપી હતી. સભ્ય રાજેશભાઇ આહીર (પ્રમુખ, તા. કોંગ્રેસ)એ અછતમાં ઘાસ-પાણીના પ્રશ્નોની રજૂઆત કરી સપ્રમાણ ઘાસ વિતરણની માંગ કરી હતી. સ્ટેમ્પ ડયૂટીના કામો માટે પ્રમુખને સત્તા આપવાનો પ્રસ્તાવ અશ્વિનભાઇ રૂપારેલે મૂક્યો હતો જેને અધ્યક્ષ સ્થાને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં સભ્ય સચિવ અજમાયશી મદ. કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ માર્ગદર્શન આપ્યું હતું. તા.વિ. અધિકારી શૈલેશ રાઠોડે સભાનું સંચાલન કર્યું હતું અને કામગીરીનો પ્રારંભ કર્યો હતો. બજેટની પૂરક વિગતો નાયબ હિસાબનીશ કિશોર ગુંસાઇએ આપી હતી. વ્યવસ્થા હનુભા પરમાર (મ.તા.વિ.અ.) તથા કે. કે. પટેલ (ટી.પી.ઓ.)એ સંભાળી હતી. બેઠકમાં તમામે તમામ 18 સભ્યો સાથે ઉપપ્રમુખ જ્યોત્સનાબા જાડેજા, સા.ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, દિલીપભાઇ પટેલ, રવિભાઇ નામોરી, રમેશદાન ગઢવી, વંકાભાઇ રબારી, જયશ્રીબેન પટેલ સહિત સભ્યો હાજર રહ્યા હતા. આભારવિધિ કારોબારી ચેરમેન મોહનભાઇ આહીરે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer