નલિયા, તા. 6 : અબડાસા અને લખપતમાં દુષ્કાળની સ્થિતિ કેટલી ગંભીર અને દારૂણ હશે કે પશુમાલિકો પોતાના ઢોરોને ઘેર સાચવતા નથી અને છૂટા મૂકે દેતા હોવાથી અત્યારે જ રખડતા ઢોરોની સંખ્યા 10 હજારને પાર કરી હોવાનો અંદાજ રાતાતળાવ ખાતે પ્રથમ તબક્કામાં 2100 પશુઓને આશ્રય આપવાના યોજાયેલા અનોખા કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. ગામે ગામમાંથી એકત્ર કરાયેલા 2100 ઢોરોની 30 કિલો મીટરની ગૌવંશ બચાવ યાત્રા નીકળી હતી. દુષ્કાળના દિવસોમાં પહેલી વખત થયેલા આ આયોજનમાં તમામ વર્ગના લોકો પણ જોડાયા હતા.અબડાસા અબોલ પશુ બચાવ અભિયાન સમિતિ સ્થપાયા પછી અબડાસા અને લખપતના ઢોરોને બચાવવાની એક મહાઝુંબેશ ચલાવવામાં આવતાં અનેક દાતાઓ આગળ આવ્યા છે અને ઘાસચારાની ટ્રકો ભરીને રવાના કરે છે. આ 2100 પશુઓને પ્રથમ તબક્કે ડુમરાના મહાવીરસિંહ ધામ ખાતે એકત્ર કરાયા પછી તમામને કાયમી આશ્રય આપવા વાલરામજી પાંજરાપોળ રાતાતળાવમાં દાખલ કરવા યાત્રા સ્વરૂપે પ્રસ્થાન કરાવાયું હતું.દાતાઓ, સંતો તેમજ આગેવાનોની હાજરીમાં રાતાતળાવ ખાતે યોજાયેલા પશુ બચાવ અભિયાન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી દેશ મહાજનના પ્રમુખ પ્રવીણભાઇ ભાનુશાલીએ એકત્ર થયેલા ઢોરોને બચાવવા દાતાઓને આગળ આવવા અપીલ કરી હતી.ઉપસ્થિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાતાતળાવ સ્થિત સંસ્થાની પશુઓ માટે થતી પ્રવૃત્તિને બિરદાવી પોતાના તરફથી રૂા. 1.25 લાખ દાન જાહેર કર્યું હતું. અબડાસા-લખપત વિસ્તારમાં રોજ ઘાસચારો મોકલવામાં આવે છે એવા ચંદુમાએ ઘાસચારામાં ક્યાંય પાછી પાની નહીં કરાય તેવી ખાતરી આપી હતી. મુંબઇ ભાનુશાલી મહાજનના પ્રમુખ હરિભાઇ ભાનુશાલીએ જણાવ્યું કે, અમારી સંસ્થા 43 વર્ષથી સેવા કરે છે. રાતાતળાવ ખાતે કાયમી ધોરણે 2 હજારથી વધુ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે. સંસ્થાના સંસ્થાપક મનજીભાઇ ભાનુશાલીએ આ વખતે રખડતા એવા 10 હજાર ઢોરોને આશ્રય આપી બચાવવાની નેમ હોવાનું કહ્યું હતું.માવજીભાઇ બુટાવાળા, છત્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમભાઇ મંધરાએ પણ સંસ્થાની આ પહેલને બિરદાવી હતી. યાત્રાના સંયોજક જેન્તીભાઇ ઠક્કરે અબડાસામાં એક પણ ઢોર ભૂખમરાના કારણે મૃત્યુ નહીં પામે તેવી ખાતરી આપી 250 ગૌસેવકો દ્વારા કરાયેલી સેવાને બિરદાવી હતી.ઉદ્યોગપતિ ચેતનભાઇ ભાનુશાલીએ ઢોરોને પીવાનું પાણી મળે તેની વ્યવસ્થા માટે રૂા. 30 લાખનું દાન માતાજીના નામે આપ્યું છે અને જો ઘાસની જરૂરિયાત પડશે તો પાંચ રેલવેની રેક મંગાવવાની ઘોષણા કરી હતી. કચ્છ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમભાઇ હાલેપોત્રાએ જણાવ્યું કે, મુસ્લિમ સમાજ દ્વારા પાંચ લાખ આપવામાં આવ્યા છે. હજુ પણ ફંડ એકત્ર કરવાની ખાતરી આપી હતી. નરેડી જૈન સમાજના અગ્રણી નાનજીદાદાએ નરેડી જૈન મહાજન તરફથી 51 ગાડી ઘાસ, આચાર્ય ગુણોદય મ.સા.ની પ્રેરણાથી રૂા. 65 લાખનું દાન ઘાસચારા માટે અપાયું હોવાની વિગતો આપી હતી. પોતાના તરફથી રૂા. 1.25 લાખ જાહેર કર્યા હતા. 11 ગાડી ઘાસનો જથ્થો અનિલભાઇ નાગડા, 51 હજાર વિશ્રામભાઇ પટેલ, 21 હજાર હાજી મહંમદ સિદિક જીલોની, 21 હજાર હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા, 21 હજાર હાજી હુશેન મંધરા દ્વારા જાહેર કરાયા હતા.
2100 પશુની અનોખી યાત્રાનું સંતો-અગ્રણીઓ દ્વારા સ્વાગત
નલિયા, તા.6 : સંત અમૃતગિરિ બાપુ તથા ભરત શાત્રીના આશીર્વચન સાથે ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ આયોજિત રેલીને પ્રસ્થાન કરાવાયું હતું. યાત્રામાં કરણી સેનાના 51 ઘોડેસવાર વિક્રમસિંહ જાડેજાની આગેવાની હેઠળ જોડાયા હતા. બળદગાડાની વેલ, ભજન મંડળી, ગૌમાતાના પ્રતિક સાથે રથવાળી આ યાત્રાનું વચ્ચે આવતા ગામોમાં સ્વાગત કરાયું હતું. ચિયાસરમાં વર્ધમાન પરિવારે નીરણ આપ્યું હતું. બીમાર ઢોરોની માવજત ગૌસેવકો સાથે હાજી જાફર સુરંગીએ સંભાળી હતી. નરેડીમાં સંત પ્રિયંકદાસજી મ.સા.એ સ્વાગત કર્યું હતું. રાતતળાવ ખાતે વિવિધ સંતો પણ જોડાયા હતા અને ગૌપૂજન કર્યું હતું. પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, મામલતદાર શ્રી પૂજારા, અજબાઇ ગોરડિયા, ભાવનાબા જાડેજા, પ્રવીણ દામા, લખમશી ભદ્રા, પ્રહ્લાદભાઇ ધુકેર, મૂળરાજ ગઢવી, મહેશોજી સોઢા, ઉમરશી ભાનુશાલી, લક્ષ્મીદાસ ભદ્રા વગેરે હાજર રહ્યા હતા. સંચાલન અરવિંદ માવ તથા કનુ બાવાજીએ આભાર માન્યો હતો. હરપાલસિંહ જાડેજા, કિશોર ચૌહાણ રેલીમાં જોડાયા હતા.
અબડાસામાં 2100 પશુની અનોખી યાત્રા
