ગઢશીશાની ભાગવતકથામાં ગૌસેવા માટે આઠ લાખ રૂપિયા થયા એકત્ર

ગઢશીશાની ભાગવતકથામાં ગૌસેવા માટે આઠ લાખ રૂપિયા થયા એકત્ર
ગઢશીશા (તા.માંડવી), તા.6 : ગઢશીશા પાટીદાર સમાજ (નવાવાસ) સ્થાનિક તેમજ મુંબઈ દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અહીં સમાજવાડી ખાતે આયોજન કરાયું હતું. આ પ્રસંગે ગૌસેવા માટે 8 લાખ રૂપિયા એકત્ર થયા હતા. વ્યાસપીઠ પરથી મંગલધામ આશ્રમના સુશ્રી જયશ્રીદેવીએ સાત દિવસ કથાનું રસપાન કરાવ્યું હતું. પ્રારંભમાં મુખ્ય યજમાનના નિવાસસ્થાનેથી કળશયાત્રા નીકળી હતી. બાદમાં વક્તા, પૂ. ચંદુમા, સરપંચ ભાઈલાલ છાભૈયા, સામાજિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય થયું હતું. મુખ્ય યજમાન પરિવાર સ્વ. ધનુબેન વિશ્રામ હીરજી પરવાડિયા તથા સ્વ. શાંતાબેન કરશન હીરજી પાટવાડિયા પરિવાર દ્વારા પૂજન બાદ મંગલાચરણ થયું હતું. કથા દરમ્યાન વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રામજન્મોત્સવના યજમાન મણિબેન રમણીક માવજી પરવાડિયા, કૃષ્ણ જન્મોત્સવના યજમાન સ્વ. પાનુબેન સામજી ખીમજી પરવાડિયા, ગોવર્ધન પૂજાના યજમાન દેવકાબેન રતનશી લધા પરવાડિયા પરિવાર રહ્યા હતા. રૂક્ષ્મણી વિવાહના પ્રસંગે વાસ્તવિક લગ્ન લેવાયા હતા. જેમાં રૂક્ષ્મણી સ્વરૂપે (ગઢશીશા)ના અ.સૌ. કેસરબેન શાંતિલાલ રવજી રંગાણીની પુત્રી ભૂમિબેન સાથે કૃષ્ણ સ્વરૂપે નિકુલકુમાર દુજાપરના અ.સૌ. ગીતાબેન તથા શાંતિલાલ રવજી દિવાણીના પુત્રએ પ્રભુતામાં પગલા પાડયા હતા.આ કથાના આયોજનમાં  ગઢશીશા પાટીદાર સમાજ નવાવાસના પ્રમુખ  કાંતિભાઈ રંગાણી તેમજ મુંબઈ સમાજના પ્રમુખ નારાણભાઈ રામાણી, સ્થાનિક યુવક મંડળના પ્રમુખ દયારામભાઈ રંગાણી, મહિલા મંડળના પ્રમુખ કેસરબેન રંગાણી, મુંબઈ યુવક મંડળના પ્રમુખ વિનોદભાઈ પરવાડિયા, મહિલા મંડળના પ્રમુખ વનિતાબેન પરવાડિયાની ટીમોએ સહયોગ આપેલ હતો. કથા દરમ્યાન સૂત્ર સંચાલન શાંતિભાઈ પરવાડિયા તથા ધીરજભાઈ લીંબાણીએ કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer