ચુનડીમાં રાજકીય અગ્રણીની વાડીમાં હુમલા સાથે તોડફોડ કરી રજવાડી ભૂંગામાં આગ લગાડાઇ

ચુનડીમાં રાજકીય અગ્રણીની વાડીમાં હુમલા સાથે તોડફોડ કરી રજવાડી ભૂંગામાં આગ લગાડાઇ
ભુજ, તા. 6 : તાલુકાના ચુનડી ગામની સીમમાં મુંદરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ રણજિતાસિંહ અગરસંગ જાડેજાની વાડીએ ગેરકાયદે આવેલા શખ્સોએ આ મામલે મારામારી કરવા સાથે તોડફોડ કરી વાડીના ભૂંગામાં આગ લગાડવા સાથે અગ્રણીની કાર ઉપર પથ્થરમારો કરવા સહિતના કૃત્યને અંજામ આપ્યો હોવાનો મામલો પોલીસ દફતરે ફરિયાદના સ્વરૂપમાં ચડયો છે. તોડફોડની આ ઘટનામાં વાડીમાં રૂા. સાત લાખનું નુકસાન કરાયાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. મૂળ મોટી તુંબડી (મુંદરા)ના વતની અને હાલે ભુજમાં રહેતા અગ્રણી રણજિતાસિંહ જાડેજાએ મંગળવારની રાત્રિ દરમ્યાન ચુનડી ગામની સીમમાં આવેલી તેમની વાડીએ બનેલા આ કિસ્સા વિશે ગઇકાલે માનકૂવા પોલીસ મથકમાં મહાવ્યથા અને નુકસાન સર્જવા સહિતની કલમો તળે ફોજદારી ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં આરોપી તરીકે ચુનડી ગામના જુવાનસિંહ ચનુભા જાડેજા, મહિપતસિંહ ચનુભા જાડેજા, હમીરજી રાણુભા જાડેજા, રાજુભા સગુભા જાડેજા, નટુભા રાણુભા જાડેજા, પોપટસિંહ નથુજી જાડેજા, કનુભા નથુજી જાડેજા, વખુભા નથુજી જાડેજા, ભાવસંગજી નથુજી જાડેજા, શકિતસિંહ ભાવસંગજી જાડેજા અને સગુભા મમુજી જાડેજાના નામ લખાવવામાં આવ્યા છે. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપીઓ ફરિયાદીની વાડીમાં મંજુરી વગર ગેરકાયદે રીતે ઘુસ્યા હતા. આ વિશે તેમને પૂછતા તેમણે બોલાચાલી અને મારામારી કરી હતી. તો વાડીમાં આવેલા મકાનમાં ફર્નિચર અને બારીઓમાં તોડફોડ કરી હતી. આ શખ્સોને વાડીમાંથી નીકળી જવાનું કહેતાં તેમણે જ્યારે શ્રી જાડેજા અને અન્યો કારથી જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર ઉપર પથ્થરમારા સહિતનો હુમલો કર્યો હતો. આ ઉપરાંત વાડીમાં બનાવાયેલા રજવાડી પ્રકારના ભૂંગામાં આગ ચાંપી તેમણે ફર્નિચર અને ઉપકરણો સળગાવી નાખવા સાથે રૂા. સાત લાખનું નુકસાન કર્યું હતું. 


સાંધાણમાં અદાવતમાં હુમલો 
દરમ્યાન અબડાસામાં સાંધાણ ગામે ગામના પાવરહાઉસ રોડ ઉપર અગાઉના ઝઘડાની અદાવત અનુસંધાને કુહાડી, છરી અને લાકડીઓ જેવા હથિયારોથી થયેલા મહાવ્યથા સાથેના હુમલામાં સુથરીના ઇકબાલ ઇલીયાસ સુમરા (ઉ.વ. 25)ને કપાળ અને નાકમાં ઇજા થઇ હતી. આ બાબતે સુથરી ગામના અબ્દુલ્લ કરીમ સાલે સતાર, અબ્દુલ્લ સતાર ઉર્ફે બાપલો સલેમાન સુમરા, મામદ સીધીક સુલેમાન સુમરા, ઇબ્રાહીમ સાલે સતાર સુમરા અને સુલેમાન સામે ફરિયાદ લખાવાઇ હોવાનું પોલીસે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer