જંતુનાશક દવાઓમાં ખેડૂતોને લૂંટવામાં આવતા હોવાની રાવ

ભુજ, તા. 6 : ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘની તાલુકા બેઠક મળી હતી. જેમાં તાલુકાના ગામોમાંથી જવાબદાર ખેડૂતો હાજર રહ્યા હતા. અલગ અલગ ગામના ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. જંતુનાશક દવાઓમાં ખોટી એમ.આર.પી. લગાવીને ખેડૂતોને ખોટી રીતે લૂંટવામાં આવે છે. જેમાં દરેક જંતુનાશકોમાં સાચી એમ.આર.પી. લગાવીને તે જ પ્રમાણે બિલ બનાવાય તેવી સરકાર પાસે રજૂઆત કરીએ છીએ. તથા ઘણા વર્ષો અગાઉ ઈનામ નાબૂદી ધારાની કલમ 10 હેઠળ જમીનો શ્રીસરકાર થઈ ગયેલી છે જે વર્ષોથી એટલે કે 40થી 50 વર્ષથી ખેડૂતો ખેડે છે, જેઓને નિયમિત જૂની શરત કરી આપવા ખેડૂતોએ માગણી કરી હતી. માધાપરના ખેડૂત ભુજોડીમાં જમીન ધારણ કરતા સર્વે નં. 149 ભુજોડી ભુજથી અંજાર હાઈવેમાં કપાત થયેલી જમીનમાં ખેડૂતને આજ દિવસ સુધી વળતર મળ્યું નથી. જેમાં 45 વર્ષથી ખેડૂત કલેકટર કચેરીના ધક્કા ખાય છે, કોઈ ઉકેલ નથી આવતો. તથા ભુજ તાલુકામાં સરકાર માઈક્રો પ્લાનિંગ કરીને નર્મદાના પાણી ભુજ તાલુકામાં ફેરવે તો જ ભુજ તાલુકામાં પાણી ટકી રહેશે, નહીં તો દર વર્ષે 30થી 40 ફૂટ પાતાળમાં પાણી નીચા જાય છે. અને નીચે ખરાબ પાણી આવે છે. જે રીતે સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી તેવી રીતે જ ખાસ ધ્યાન આપીને પાણી આપવાનું વ્યવસ્થાપન કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાએ માગણી કરી હતી. ત્યારબાદ વીજળીના મૂંઝવતા પ્રશ્નો માટે કાર્યપાલક કે.આર. વરસાણી સાથે સંકલન બેઠક કરીને ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી. ભુજ તાલુકા પ્રમુખ કાનજીભાઈ ગાગલ, માજી પ્રમુખ રમણીકભાઈ તથા તાલુકા કારોબારી તથા ભુજ તાલુકાના ખેડૂતો હાજર રહ્યા હતા. સંચાલન મનસુખભાઈ માકાણીએ કર્યું હતું તથા આભારવિધિ અશોકભાઈ લીંબાણીએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer