ગાંધીધામના જમીન પ્રશ્ને ભાજપ કોંગ્રેસ બંનેના અગ્રણીઓની વિવિધ સ્તરે રજૂઆત

ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ સંકુલની લીઝ હોલ્ડ જમીનો ફ્રી હોલ્ડ કરવામાં કરાતા વિલંબના કારણે લોકોને ભોગવવી પડતી હાલાકી અંગે વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બરના નેજા હેઠળ જનઆંદોલન છેડવામાં આવ્યું છે ત્યારે આ મામલે  પૂર્વ ધારાસભ્યે દિલ્હીમાં રજૂઆત કરી હતી તો ગાંધીધામ સુધરાઈના પૂર્વ પ્રમુખે પણ રાજય સરકાર જમીન પોતાના હસ્તક કરે એ જ એકમાત્ર  ઉપાય હોવાનો સૂર વ્યકત કર્યો છે. મુંદરાના પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા  ફ્રી હોલ્ડ જમીન સહિતના ગાંધીધામ સંકુલના ડી.પી.ટી.ને સ્પર્શતા પ્રશ્નો મામલે કેન્દ્રીય શિપિંગ મંત્રી નીતિન ગડકરી અને રાજય મંત્રી મનસુખ માંડવીયા સમક્ષ રજૂઆત કરવા પ્રતિનિધિ મંડળ સાથે દિલ્હી ગયા હતા.પરંતુ તેઓ હાજર ન હોતા શિપિંગ મંત્રીના અંગત મદદનીશ વૈભવ ડાંગે,રાજગોપાલ વર્મા તેમજ રાજય મંત્રીના અંગત મદદનીશ જયેન્દ્ર ગુંસાઈને રૂબરૂ મળી ગાંધીધામ સંકુલની પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત કરી હતી તેમજ સંકુલના રહેવાસીઓની લાગણીઓની વિગતો અને જનઆક્રોશ મહારેલી અંગે જાણકારી આપી  હતી.તેમજ ડી.પી.ટી.ના બાકી કર્મચારીઓને રહેણાંકના પ્લોટ ફાળવવા અંગે  પણ રજૂઆત કરી હતી.આવેદનપત્રની આ નકલ વડાપ્રધાનને પણ મોકલાઈ છે. મંત્રાલયના અધિકારીઓએ આ મામલે પોર્ટના ચેરમેન અને રાજય સરકાર સાથે વાત કરવા ખાત્રી આપી હતી.આ વેળાએ કરશન ધુઆ, કૈલાશ સાસિયા,હર્ષદ દનીચા વગેરે હાજર રહ્યા હતા. ગાંધીધામ સુધરાઈના પૂર્વ પ્રમુખ અને અને જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડો.ભાવેશ આચાર્યએ આ મામલે જણાવ્યું હતું કે કંડલા  કોમ્પલેક્ષમાં ગાંધીધામ ટાઉનશિપની જમીન કાયદેસર રીતે રાજય સરકારની જ છે. પરંતુ  ગુજરાત સરકારની આળસના કારણે ડી.પી.ટી.  તેના ઉપર ગેરકાયદે કબ્જો જમાવી બેઠું છે. તેના કારણે હજારો પરિવારો ત્રાસ ભોગવી રહ્યા છે. 1956માં સ્ટેટ ઓર્ગેનાઈઝેશનન એકટ અમલમાં આવ્યો જેમાં સ્પષ્ટ છે કે જમીનનો વહીવટ અને માલિકી જે તે રાજયનો હક્ક છે. કચ્છ  સી.સ્ટેટ હતું ત્યારે માલિકી પોર્ટની હતી ત્યાર  બાદ મુંબઈ રાજયની સ્થાપના થઈ જેથી કાયદા પ્રમાણે જમીન આપોઆપ મુંબઈ રાજયની બની ગઈ. ત્યાર બાદ ગુજરાત રાજયની સ્થાપના થતા જમીનના બધા હક્કો ગુજરાત સરકારના બની જાય છે. જે તે સમયે ગુજરાત સરકારના ભારત સરકાર સાથેના નર્મદા ઊંચાઈ, ક્રૂડ રોયલ્ટી સહિતના 17 પ્રશ્નો અધ્ધરતાલ હતા. જેમાં કંડલા જમીન માલિકીનો પ્રશ્ન પણ અગ્રતાક્રમે હતો. જો જમીન રાજય સરકાર હસ્તગત કરી લે તો તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય તેમ છે. અગાઉની રજૂઆતો સંદર્ભે ભારત સરકારે બનાવેલી ઉચ્ચસ્તરીય કમિટીએ ઉંડા અભ્યાસ બાદ જમીનો રાજય સરકારને સોંપવા અભિપ્રાય આપ્યો હતો.આ અહેવાલ આજે પણ ઉપલબ્ધ  છે. પરંતુ તેનું અમલીકરણ ન કરી રીપોર્ટ દબાવી  દેવાયો હોવાનુ ડો. આચાર્યએ જણાવ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer