માધાપરમાં ગળેફાંસો ખાઇને યુવતીએ અગમ્ય કારણોસર મોતને નોતર્યું

ભુજ, તા. 6 : તાલુકાના માધાપર ગામે દિપાલીબેન ભીમગર ગુંસાઇ (ઉ.વ.22) નામની યુવતીએ ગળેફાંસો ખાઇ અકળ આત્મહત્યા કરી હતી. તો બીજીબાજુ મુંદરા તાલુકામાં નવીનાળ ગામે ગામના ગેટ પાસે બાઇક પીલર સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં આ વાહનના ચાલક ટુન્ડાના ભગીરથાસિંહ મંગુભા જાડેજા (ઉ.વ.24)નું મૃત્યુ થવાના એક મહિના જૂના મામલામાં અંતે ગઇકાલે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં એકતાનગર ખાતે રહેતી દિપાલીબેન ગુંસાઇએ ગઇકાલે સાંજે આપઘાત કરી લીધો હતો. આ હતભાગીએ તેના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી લીધા બાદ આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ગત મોડીસાંજે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આ વિશે મૃતકની માતા ચન્દ્રિકાબેને પોલીસમાં જાણ કરી હતી.મરનાર યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કારણો સહિતની આગળની છાનબીન હાથ ધરી છે.  બીજીબાજુ નવીનાળ ગામે ગામના ગેટ પાસે ગત તા. 6ઠ્ઠી નવેમ્બરના સવારે જી.જે.12-ડી.જે.-4674 નંબરની બાઇક ગેટના પીલર સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલક ભગીરથાસિંહ જાડેજાનું સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. જે તે સમયે આ ઘટના વિશે પોલીસને જાણ કરાઇ ન હતી. દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી આ કેસના કાગળો મળ્યા બાદ પોલીસે મૃતકના પિતા મંગુભા કેણજીને બોલાવી વિધિવત ગુનો દાખલ કર્યો હતો. તેમ પોલીસે ઉમેર્યું હતું. સહાયક ફોજદાર હરેશભાઇ સોમૈયા તપાસ ચલાવી રહ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer