કચ્છમાં `મનરેગા'' અછતનો વિકલ્પ ન બની શકે

કચ્છમાં `મનરેગા'' અછતનો વિકલ્પ ન બની શકે
નિમિષ વોરા દ્વારા
ભુજ, તા. 5 : કચ્છમાં પ્રવર્તી રહેલી દુકાળની સ્થિતિ સામે નિપટવા સરકારી તંત્ર જોર લગાવી રહ્યું છે, પાણી અને ઘાસના મામલે ચારેકોરથી શોરબકોર ઊઠયા છે. જો કે સૌથી મોટી સમસ્યા હોય તો તે રોજગારીની છે, હજુ સુધી આ `મૂક' રહેલી વ્યાધિની દવા `મનરેગા યોજના' મનાય છે. પરંતુ જાણકારોના મતે અછતકામમાં તે રાહતકામોનો વિકલ્પ ન બની શકે.કેન્દ્ર સરકાર પુરસ્કૃત આ યોજનામાં ગ્રાન્ટની સદાય `છત' જ રહે છે, તેમાં કામોનું વૈવિધ્ય પણ થઈ શકે છે, પરંતુ સ્થાનિક સંજોગોના લીધે `મનરેગા'ને ધાર્યો લોકપ્રતિસાદ મળતો ન હોવાનું સમજાય છે.`મનરેગા' યોજનાનું સંચાલન અને સમગ્ર વહીવટ સંભાળનાર ગ્રામવિકાસ એજન્સીના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરતાં તેમણે અત્યારની અછતની પરિસ્થિતિને ટાંકીને જણાવ્યું હતું કે, અત્યારે 10તાલુકામાં 351 કામો ચાલુ છે. નિયમ મુજબ 100 દિવસની રોજગારી પૂરી પડાય છે. જેમાં એક પરિવારના વધુમાં વધુ ચાર સભ્યોને રોજગારી મળે છે એટલે કે 100 દિવસની રોજી તેઓ રૂા. 194 લેખે 25 દિવસમાં પૂર્ણ કરી લે છે. હવે અછત વર્ષમાં સરકારે 150 દિવસની મુદ્દત કરી છે, આમ 50 દિવસ વધી જતાં બે-ત્રણ હજાર શ્રમિકોને વધારે રોજગારી મળી શકશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. આ યોજના હેઠળ રસ્તા, તળાવ, ખેત તળાવડી, આંગણવાડી, પંચાયતઘર જેવા ઉપયોગી કામોનો સમાવેશ થાય છે. તેમ `બારમાસી' યોજના છે. બીજી તરફ કચ્છમાં દુકાળનો આરંભ થયો છે, ત્યારે રાજ્ય સરકાર મનરેગા પર મોટી આશ લગાવી બેઠી છે, પરંતુ તે ઠગારી નીવડે તેમ છે, તેવું અનુભવીઓનું કહેવું છે. કારણ કે કુટુંબદીઠ 100 દિવસનું કામ મળે છે. જે 25 દિવસમાં જ પૂર્ણ થઈ જતું  હોય છે. ઉપરાંત તેમાં સખત મજૂરી કર્યા બાદ રૂા. 194 લેખે દૈનિક રૂા. 800 મળે છે. આમ આઠ દિવસ પછી ફરી બેકારી ભોગવવી પડે છે. બીજી તરફ ગામમાં જૂથબંધીના લીધે કામો ચાલુ કરાવવામાં ઘણી જગ્યાએ સરપંચો રસ લેતા નથી હોતા. આ અંગે તાલુકા ભાજપના આગેવાન જયંતભાઈ માધાપરિયાએ `મનરેગા' વિશે કહ્યું હતું કે, કચ્છમાં આ યોજનાને ધારી સફળતા ન મળવાનું કારણ એ છે કે, આ યોજના હેઠળ ખોટા કામો થતા નથી કે ખોટી હાજરી પુરાવીને વેતન મેળવી લેવું પણ શક્ય નથી. જેથી અછતના રાહતકામોમાં મલાઈ ચાખી ચૂકેલા વર્ગોને આ યોજના પચતી નથી.વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની કરોડોની ગ્રાન્ટ આવે છે. જેમાં બહુ જ સારા કામો થઈ શકે છે. જેવા કે રસ્તા, સફાઈના સાધનો, પંચાયતઘર, આંગણવાડીના બાંધકામો પણ તેમાં 60-40ના ધોરણે થઈ શકે છે. પરંતુ કચ્છમાં મજૂરીના દર ઊંચા હોવાથી જે મજૂરોને દૈનિક 250થી 300 રૂપિયા મળતા હોય તે રૂા. 194માં કામ કરવા તૈયાર થતા નથી. આ યોજના રાજસ્થાન જેવા રાજ્યમાં ગરીબી વચ્ચે ખૂબ જ સફળ ગઈ છે. જો કે નરેગા હેઠળ સફાઈ કામદારો, બગીચાનાં કામો પણ કરાવી શકાય. ભૂતકાળમાં રાહતકામોમાં બે પાવડા માટે આમતેમ ફરીને ખોટા ખામણા બતાવી દેવાતાં, તેમાં હરામની આવક જોઈ ગયેલા વર્ગને આ સાચી મજૂરીનું કામ કેમ પોષાય તેવો શ્રી માધાપરિયાએ સાચો સવાલ કર્યો હતો. ભૂતકાળમાં `રાજીવ ગાંધી ભવન' બનાવવા પેટે દરેક ગ્રા.પં.ને રૂા. 15-15 લાખ મંજૂર થયા હતા. પરંતુ બે-ચાર મકાનો બંધાયા પછી આ આખી યોજના સ્થગિત થઈ ગઈ. દરમ્યાન જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે યોજનાની ઓછી લોકપ્રિયતા વિશે એવો મત દર્શાવ્યો હતો કે, નરેગામાં કામની તેમજ ચૂકવણાંને લગતી જવાબદારી સરપંચોને સોંપવામાં આવી છે. જે ખરેખર તલાટીને સુપરત કરવી જોઈએ. જે નિભાવવા સરપંચો તૈયાર થતા નથી. કારણ કે દરેક ગામમાં બે જૂથ હોય ત્યારે વિવાદ અને ફરિયાદ થાય, વળી ખોટું વેતન કે માલ લેવડાવવા સરપંચ પર લોકોનું દબાણ કરાય છે, પરંતુ સરપંચને તે જ લોકો પાસે મત લેવા જવાના હોવાથી તે ફિક્સમાં મુકાય છે. આમ અછતમાં મનરેગા રોજગારી શક્ય જ નથી. વળી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સમગ્ર સ્ટાફ કોન્ટ્રેક્ટ પર હોવાથી તેમની કોઈ જવાબદારી હોતી નથી. ઘણા ગામોમાં સરપંચો મહિલા કે અશિક્ષિત હોય ત્યારે ક્યાંયે પણ ચાતરે તો તેના પર કેસ થવાની બીક રહે. આવા કેટલાયે કેસો થયા છે. તે રીતે અનુભવ સારો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer