સ્વામી પૂ. તદ્રુપાનંદજી કચ્છમાં

સ્વામી પૂ. તદ્રુપાનંદજી કચ્છમાં
ભુજ, તા. 5 : સાત વર્ષ પહેલાં અહીં `સ્થિતપ્રજ્ઞ ' વિષયે ત્રણ દિવસના ભગવદ્ગીતા જ્ઞાનયજ્ઞમાં પોતાની આગવી છટાથી વ્યાખ્યાનો આપીને ધર્મપ્રેમી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેનારા સ્વામી પૂ. તદ્રુપાનંદ સરસ્વતીજી આજે સવારે ફરી કચ્છ યાત્રાએ આવી પહોંચતાં રેલવે સ્ટેશન પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ-આર્ષ અધ્યયન કેન્દ્રના આચાર્ય સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કિરણભાઇ ગણાત્રા, ગુલાબભાઇ ગજ્જર, દીપકભાઇ વૈદ્ય, તરલિકાબેન મહેતા, નરેન્દ્રભાઇ?ગોર સહિતના સાધકોએ સ્વામી તદ્રુપાનંદજી (મનન આશ્રમ-ભરૂચ)નું સ્વાગત કરતાં તેમની અગાઉની કચ્છ યાત્રાની યાદ તાજી કરી હતી. અત્રે એ નોંધનીય છે કે, પૂ. તદ્રુપાનંદજીએ પૂર્વાશ્રમમાં માંડવીની કોમર્સ-આર્ટ્સ કોલેજમાં માનસશાત્રના વ્યાખ્યાતા તરીકે 1966માં એક વર્ષ સેવા આપી હતી. '70ના દાયકામાં સંન્યાસ લીધા પછી 2000ના વર્ષમાં તેઓ તેમના એક સમયના વિદ્યાર્થી ભરત ઠક્કરના મહેમાન બનીને કચ્છ આવ્યા હતા અને નારાયણ સરોવરથી ધોળાવીરા સુધીનો પ્રવાસ કર્યો હતો. કોટેશ્વર સામેની ચેરના જંગલોવાળી ક્રીકમાં પણ તેઓ ગયા હતા. ત્યારબાદ 2011માં ભુજમાં તેમણે ગીતા જ્ઞાનયજ્ઞમાં વ્યાખ્યાન આપ્યા હતા. તેમની હાલની કચ્છ યાત્રા અંગે સ્વામી પ્રદીપ્તાનંદજીએ જણાવ્યું હતું કે, તેઓશ્રી માંડવી તાલુકાના નાની ખાખર ગામે પોતાના એક શ્રદ્ધાળુના અતિથિ બનીને આવ્યા છે અને પાંચથી છ?દિવસ રોકાણ કરશે. આ તેમની અંગત મુલાકાત છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer