પોલીસ બેન્ડની સુરાવલિ અવિરત રાખવાનો નિર્દેશ

પોલીસ બેન્ડની સુરાવલિ અવિરત રાખવાનો નિર્દેશ
ભુજ, તા. 5 : ગર્વભેર સુરોની સુરાવલિ વહેવડાવતા પોલીસદળના બેન્ડનું પરાપૂર્વ અને છેક રાજાશાહીના જમાનાથી સમાજમાં અદકેરું સ્થાન રહેતું આવ્યું છે. બેન્ડની આ સુરાવલિ અવિરત રહે તે માટે નવી પેઢીને પોલીસ બેન્ડ માટે ખાસ તૈયાર કરવામાં આવશે, તેવો નિર્દેશ આજે અહીં કચ્છ સહિત ચાર જિલ્લાને સાંકળતી પોલીસની સરહદ રેન્જના વડા મહાનિરીક્ષક ધર્મેન્દ્રાસિંહ ભીખુભા વાઘેલાએ આપ્યો હતો.  હાલમાં ચાલી રહેલી પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની રેન્જ સ્તરની વાર્ષિક તપાસણી અંતર્ગત ગઇકાલે લોકસંવાદ કાર્યક્રમ યોજાયા બાદ આજે વહેલી સવારે અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસદળ દ્વારા રેન્જના વડાને ગર્વભેર પરેડ સલામી અપાઇ હતી. આ પ્રસંગે દળના શ્વાન અને અશ્વદળના વિવિધ હેરતભર્યા કરતબો પેશ થવા સાથે પોલીસ જવાનોની સજ્જતા બતાવતી વિવિધ મોકડ્રીલ પણ યોજાઇ હતી. તો સારી કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને પણ પ્રશંસાપત્રો આપી સન્માનિત કરાયા હતા.  પોલીસ બેન્ડના સૂરો અને કદમ-તાલના નાદ સાથે દળના જવાનોએ આ પ્રસંગે પરેડ યોજીને રેન્જના વડાને ગર્વભેર સલામી આપી હતી. આઇ.જી. શ્રી વાઘેલાએ એસ.પી. એમ.એસ. ભરાડા તથા અન્ય અધિકારીઓ પાસેથી દળ અને કર્મચારીઓને લગતી વિવિધ વિગતો મેળવી હતી. તો વિચાર-વિમર્શ કરતાં જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. આ પ્રસંગે તેમણે વડામથક સહિત વિવિધ વિભાગોની મુલાકાત પણ લીધી હતી.  પરેડ બાદ અશ્વદળ અને શ્વાનદળના વિવિધ હેરતભર્યા કરતબો પેશ કરાયા હતા. જેને નિહાળીને ઉપસ્થિતો રોમાંચિત બન્યા હતા. સાથેસાથે બ્લાસ્ટ કે અન્ય આપત્તિના સમયે પોલીસદળ કેવી રીતે કાર્યવાહી કરે છે તેના સહિતની વિવિધ મોકડ્રીલ પણ પેશ કરવામાં આવી હતી. તો અશ્વદળમાં સામેલ થયેલા બે નવા અશ્વ સદસ્યને આઇ.જી. દ્વારા પ્રિયંકા અને દીપિકા નામકરણ પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આવું નામકરણ એસ.પી. દ્વારા કરાતું હોય છે, પણ આજે આ વિધિ શ્રી વાઘેલાએ કરી હતી.  આ પ્રસંગે આઇ.જી. શ્રી વાઘેલાએ પોલીસ બેન્ડનું મહત્ત્વ વર્ણવતાં આ બેન્ડના સૂરો વિલીન ન થઇ જાય તે માટેની તૈયારીઓનો નિર્દેશ આપતાં દળના આ વિભાગ માટે નવી પેઢીને તૈયાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. હાલે બેન્ડ વિભાગમાં ફરજ બજાવનારા પૈકીના ઘણખરા નિવૃત્તિના આરે હોવાથી પરાપૂર્વની સુરાવલિની આ પરંપરા અકબંધ રાખવા તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભુજમાં રવિવારે અગાઉની જેમ મહાદેવ નાકા બહાર આ સૂરો ફરી રેલાય તેવી વ્યવસ્થા ગોઠવવાની પણ તેમણે વાત કરી હતી.  દરમ્યાન આ પ્રસંગે વિવિધ કેસોમાં નોંધનીય કાર્યવાહી તથા સારી કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આઇ.જી.ના હસ્તે પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સન્માન પામનારામાં ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ, સ્થાનિક ગુપ્તચર શાખાના ઇન્સ્પેક્ટર બી.આર. ડાંગર, સ્થાનિક ગુનાશોધક શાખાના કાર્યકારી ઇન્સ્પેક્ટર એમ.બી. ઓઆસુરા, ગઢશીશાના કાર્યકારી ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાર્યકારી ઇન્સ્પેક્ટર એન.સી. ચૂડાસમા, પદ્ધરના ફોજદાર એસ.જે. રાણા, એલ.સી.બી. ફોજદાર એમ.એસ. તિવારી, દયાપર ફોજદાર વાય.પી. જાડેજા, માંડવીના સહાયક ફોજદાર સંજયપુરી નારાણપુરી ગોસ્વામી, સ્થાનિક ગુનાશોધક શાખાના હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રાસિંહ પ્રભાતાસિંહ જાડેજા અને સામતાભાઇ આણદાભાઇ પટેલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલ મદનાસિંહ લાલુભા જાડેજા, ભુજ એ. ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રવિજયાસિંહ રાજેન્દ્રાસિંહ ગોહિલ, કોમ્પયુટર શાખાના હેડ કોન્સ્ટેબલ પરેશ સોમાભાઇ પરમાર, નખત્રાણાના કોન્સ્ટેબલ ભાવિક મનહરલાલ બારોટ, જિલ્લા ટ્રાફિક શાખાના મહિલા કોન્સ્ટેબલ સુમિત્રાબેન બચુભાઇ સોલંકી અને ભુજ શહેર ટ્રાફિક શાખાના મહિલા કોન્સ્ટેબલ મંજુલાબેન દેવજીભાઇ ચૌહાણ વગેરેનો સમાવેશ    થાય છે. આજના કાર્યક્રમ દરમ્યાન નિરીક્ષણ નોંધ લખવા સહિતની કાર્યવાહી આઇ.જી.ના અંગત મદદનીશ એસ.વી. મચ્છરે કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer