ભુજમાં પાંચેક મહિનાથી બીમાર રહેતા વૃદ્ધ શાકભાજી વિક્રેતાએ ફાંસો ખાધો

ભુજમાં પાંચેક મહિનાથી બીમાર રહેતા વૃદ્ધ શાકભાજી વિક્રેતાએ ફાંસો ખાધો
ભુજ, તા. 5 : શહેરમાં છેલ્લા પાંચેક મહિનાથી બીમાર રહેતા શાકભાજીના વિક્રેતા મણિલાલ રામજી રાજગોરએ આજે વહેલી સવારે પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તો બીજી બાજુ તાલુકાના ચુનડી ગામે પાકમાં જંતુનાશક દવા છાંટતા સમયે થયેલી ઝેરી અસર થકી તરુણ વયના ખેડૂતપુત્ર દશરથાસિંહ હમીરજી સોઢા (ઉ.વ. 17)નું મૃત્યુ થયું હતું.  પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં સરપટ નાકા બહાર શિવનગર ખાતે રહેતા શકભાજીના વેચાણનો વ્યવસાય કરતા મણિલાલભાઇ રાજગોરે આજે વહેલી સવારે સરપટ નાકા બહાર રાજગોર સમાજવાડીની સામે આવેલી તેમની દુકાનમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. સવારે સાડા સાતેક વાગ્યે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આ વિશે પોલીસને જાણ કરાઇ હતી.  મરનારના પુત્ર ખરાશંકર રાજગોર દ્વારા પોલીસ સમક્ષ લખાવાયેલી પ્રાથમિક કેફિયત અનુસાર મણિલાલભાઇ છેલ્લા પાંચેક મહિનાથી બીમાર રહેતા હતા. આ વચ્ચે આજે તેમણે આ પગલું ભરી લીધું હતું. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બનાવ પછવાડેના ચોક્કસ કારણો સહિતની છાનબીન અકસ્માત મોતનો ગુનો દાખલ કરી હાથ ધરાઇ છે.  દરમ્યાન આજે સવારે આ ઘટના બહાર આવી ત્યારે મૃતકની દુકાન બહાર લોકોનું ટોળું એકત્ર થયું હતું.  બીજી બાજુ ચુનડી ગામે જંતુનાશક દવાની ઝેરી અસર 17 વર્ષની વયના કિસાનપુત્ર દશરથાસિંહ સોઢા માટે જંતુનાશક દવાની ઝેરી અસર યમદૂત બની હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. પોલીસે આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, મરનાર હતભાગી કિશોરને તેની વાડીમાં કપાસના પાકમાં દવા છાંટતા સમયે ગત તા. 29મીના સવારે ઝેરી અસર થઇ હતી. બાદમાં સારવાર દરમ્યાન અત્રેની જનરલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જતી વેળાએ ગઇકાલે રસ્તામાં તેનો જીવનદીપ બુઝાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer