ગળપાદર જેલમાં લઇ જતી વેળા આરોપી નાસ્યો પણ ઝડપાઇ ગયો

ગળપાદર જેલમાં લઇ જતી વેળા આરોપી નાસ્યો પણ ઝડપાઇ ગયો
ગાંધીધામ, તા. 5 : ભચાઉમાં અનેક ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ગળપાદર જેલમાં પરત લઇ જતી વખતે તે પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. પરંતુ પોલીસે દોડધામ કરી ગણતરીના કલાકોમાં જ આ ઇસમને પુન: પકડી પાડતાં સૌને હાશકારો થયો હતો. ભચાઉ પોલીસ મથકે અગાઉ અનેક ગુનામાં આવી ગયેલો શબીર ઉર્ફે સબલો ઉમર ઉર્ફે બબીડો ભટ્ટી નામના ઇસમને પકડી પાડીને ગળપાદર જેલમાં રખાયો હતો. દરમ્યાન આજે આ ઇસમની કોર્ટ મુદત હોવાથી સવારે તેને ભચાઉ લઇ અવાયો હતો. તેને કોર્ટમાં રજૂ કરી પરત જેલ હવાલે કરવા લઇ જવાતો હતો ત્યારે પોલીસ જાપ્તા વચ્ચે બસ સ્ટેન્ડ નજીક બસની બારીમાંથી નીચે કૂદી આ ઇસમ નાસી ગયો હતો. આ આરોપી નાસી જતાં પોલીસમાં રીતસર દોડધામ થઇ પડી હતી. તેને શોધવા પોલીસે કવાયત હાથ ધરી હતી. દરમ્યાન તે કોઇ ટ્રેનમાં સવાર થઇને નાસી જવા તથા તે ભચાઉના માનસરોવર રેલવે ફાટકની બાજુમાં પાટા પાસે હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે દોટ લગાવી હતી. પોલીસને જોઇને આ ઇસમ નાસવા લાગ્યો હતો. પોલીસને ત્રણેક કિ.મી. સુધી દોડાવનાર આ ઇસમને અંતે દબોચી લેવામાં આવ્યો હતો. તેની અંગ જડતીમાંથી તેની પાસેથી એક છરી પણ મળી આવી હતી. જે પોલીસે કબજે લીધી હતી. પોલીસને આજે દિવસ દરમ્યાન દોડતી કરી મૂકનાર આ ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેના વિરુદ્ધ અલાયદી કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું પોલીસે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer