સેરેબ્રલ પાલ્સીના દર્દીઓના લાભાર્થે સંગીતસંધ્યા યોજાઇ

સેરેબ્રલ પાલ્સીના દર્દીઓના લાભાર્થે સંગીતસંધ્યા યોજાઇ
ભુજ, તા. 5 : સેરેબ્રલ પાલ્સી એ માનસિક લકવાગ્રસ્ત બાળકોને સારવાર આપતી પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાએ વિશ્વ વિકલાંગ દિવસ અવસરે ભારતના ખ્યાતનામ કલાકાર બંકિમ પાઠકના મ્યુઝિકલ શોનું આયોજન કર્યું હતું જેમાં શહેરીજનોએ મોટી સંખ્યામાં દાનની સરવાણી વહાવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં આયોજક ક્લબ સાથે ભુજ લોહાણા મહાજન તથા વોલસિટી ક્લબના હાદ્દેદારોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ ગીત-સંગીતની આ મહેફિલમાં માનસિક રીતે 90 ટકા જેનું બ્રેઇન ડેડ છે અને પોતાનું કોઇપણ કાર્ય જે પોતે ન કરી શકે તેવા સેરેબ્રલ પાલ્સી વિકલાંગતા ધરાવતા મૂળ પોરબંદરના હાલે કેરેલા સ્થિત રાકેશ ઠક્કરે કિશોરકુમારના ગીતો આબેહૂબ, તાલબદ્ધ રીતે ગાઇને સૌ કોઇને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા. લાયન્સ સાઇટ ફર્સ્ટ ક્લબના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ યુવા કલાકારનો પરિચય આપ્યો હતો, તો આ રઘુવંશી કલાકારનું ભુજ લોહાણા મહાજન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એ પૂર્વે લાયન્સ સાઇટ ફર્સ્ટ દ્વારા ભુજની બેંકર્સ કોલોની મધ્યે ચાલતી માનસિક રીતે લકવાગ્રસ્ત બાળકોની સારવારની વીડિયો ક્લીપ દર્શાવાઇ હતી. કાર્યક્રમના આ દોર વચ્ચે જિતેન ઠક્કરના એન્કરિંગના સથવારે શ્રોતાઓ પોતાના ગીતોની પસંદગી આપતા ગયા અને સાથેસાથે દાનની સરવાણી વહાવતા ગયા. સ્વયં વોઇઝ ઓફ રફી તરીકે નામના ધરાવતા બંકિમ પાઠકે પણ પોતાના ફેડરેશનમાંથી રૂા. 11000ની રકમ જાહેર કરીને ઉપસ્થિત લોકોને સહકાર આપવા અપીલ કરી હતી. રોટરી વોલસિટી ક્લબ પોતે પણ થેલેસેમિયાના બાળકો માટે કાર્ય કરે છે અને જ્યારે દિવ્યાંગ લોકો પણ?આ જ રીતે વિકલાંગ લોકોના લાભાર્થે કાર્ય કરે છે તે પ્રમુખ સચિન ઠક્કરે જાણ્યું તો ક્લબ માત્ર?આર્થિક રીતે નહીં પણ આયોજનમાં પણ સંપૂર્ણ સાથે ઊભી રહી હતી. વોલસિટી દ્વારા તેના મેમ્બરોના સહકારથી એકત્ર?થયેલી રૂા. 1,50,000ની માતબર રકમ જ્યારે જાહેર થઇ ત્યારે ભુજના ટાઉનહોલમાં ઉપસ્થિત સૌ કોઇએ તાળીઓનાં ગડગડાટ સાથે તેને વધાવી લીધી હતી. આ બદલ વોલસિટી ક્લબને પ્રશંસાપત્ર અપાયું હતું. હોદ્દેદારોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.મહંમદ રફી, કિશોરકુમાર, લતા મંગેશકર, આશા ભોંસલેના કંઠે ગવાયેલા ગીતોને ભુજના લોકોએ મન ભરીને જ્યાં માણ્યા હતા એવા આ કાર્યક્રમમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્લબ પ્રમુખ મુકેશભાઇ?ગોહિલ તથા બલદેવભાઇ?પરમાર જોડાયા હતા તો વોલસિટી તરફથી સેક્રેટરી દત્તુ ત્રિવેદી, પ્રો. ચેરમેન રાજેશ?માણેક તથા વા. પ્રાસિડેન્ટ ડો. જિગર પટેલનો સંગાથ?સાંપડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer