વાંકી ગામે વિવિધ પાંચ સમાજવાડી બનશે

વાંકી ગામે વિવિધ પાંચ સમાજવાડી બનશે
મુંદરા, તા. 5 : તાલુકાના વાંકી ગામે રૂા. 51 લાખના વિવિધ વિકાસનાકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. દીપ પ્રાગટય બાદ ઉપસરપંચ નિજારભાઇ ખોજાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. પધારેલા મહેમાનોનું વાંકી ગ્રામ પંચાયત તથા ગામના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન કરતાં પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જનહિતના કામો માટે લાખો રૂા. મળતા હતા, જ્યારે વર્તમાન સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવી વિકાસના કામો કરે છે. તેમણે જણાવ્યું કે વાંકીથી ખેંગારસાગર ડેમ સુધી રસ્તાને ડામર રોડ બનાવવામાં આવશે. વાંકી ગામે વિવિધ સમાજની પાંચ સમાજવાડી-કારાઘોઘા રસ્તાનું લોકાર્પણ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે જે કામોના ખાતમુહૂર્ત થયા તેમાં કોલી સમાજવાડી, બજાર ચોકમાં ઇન્ટરબ્લોક, મુસ્લિમવાસ, વ્રજનગરમાં સી.સી. રોડ, મહેશ્વરી સમાજવાડીમાં પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજો દ્વારા ધારાસભ્યનું બહુમાન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાએ સ્વચ્છ શાળાનો એવોર્ડ વિજેતા વાંકી પંચાયતની પ્રાથમિક શાળા તથા જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાની માતા યશોદા એવોર્ડ વિજેતા-બંને આંગણવાડી વર્કરોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છાયાબેન ગઢવી, મહેન્દ્રસિંહ જાડેજા, વિશ્રામભાઇ ગઢવી, ધર્મેન્દ્ર જેશર, ધીરુભા જાડેજા, રવાભાઇ આહીર, માલિનીબેન ગોર, માંડણભાઇ રબારી, નટુભા ચૌહાણ તથા વાંકી સરપંચ દેવલબેન મહેશ્વરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટપ્પર, પત્રી, કણજરા, કારાઘોઘા, ભોરારાના સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ વિશ્રામભાઇ ડુડિયાએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer