બાળપણમાંજ સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો જીવનભર ચાલે

બાળપણમાંજ સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો જીવનભર ચાલે
ભુજ, તા. 5 : લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન ખાતે ધર્મપ્રચાર સમિતિના ઉપક્રમે અને સ્વામી વૃંદાવનવિહારીદાસજીના અધ્યક્ષ સ્થાને બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં 41 ગામોમાંથી શિબિરાર્થી બાળકોએ ભાગ લીધો હતી. સંતો ને સંસ્થાન અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટયથી શિબિરનો પ્રારંભ કરાયો હતો. પ્રવીણભાઈ ધોળુએ સ્વાગત પ્રવચન અને સમિતિના કન્વીનર રવિલાલ વાલાણીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. વી.વી. સ્વામીએ સ્લાઈડ શો દ્વારા સંસ્કારી અને કુસંસ્કારી બાળક વચ્ચેનો ભેદ સમજાવી, આદર્શ બાળકની વિભાવના સ્પષ્ટ કરી હતી. અખિલ ભારતીય સનાતન સમાજના પ્રમુખ જેઠાભાઈ ચેપડાએ કચ્છના ગામેગામ બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવતી સંચાલિકા બહેનોને સંસ્કાર સિંચનનું ઉમદા કામ કરવા બદલ બિરદાવ્યા હતા. સંસ્થાના મહામંત્રી રતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાળપણમાં જ જે સંસ્કારોનું સિંચન કરવામાં આવે તે જીવનપર્યંત તેની સાથે રહેતા હોય છે. શિબિરમાં બાળગીત સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધાને શ્લોક પઠન વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના અગ્રણીઓના હસ્તે વિજેતાને ઈનામો અપાયાં હતાં. સંસ્થાના ટ્રસ્ટીઓ ધનજીભાઈ રૂડાણી, રામજીભાઈ ડાયાણી, સંસ્થાના ખજાનચી કલ્યાણજીભાઈ છાભૈયા, ઉમિયા માતાજી સંસ્થાન મહામંત્રી બાબુભાઈ ચોપડાની ઉપસ્થિતિ રહી હતી. આભારદર્શન બાબુભાઈ વેલાણીએ કર્યું હતું અને સંચાલન ધીરજભાઈ ભગતે કર્યું હતું. ધર્મ પ્રચાર સમિતિના સભ્યો રાજુભાઈ રામાણી, લવજીભાઈ પોકાર, બેચરભાઈ ઠાકરાણી, અમૃતભાઈ દડગા, કાંતિભાઈ અમૃતિયા અને પુનિતભાઈ પોકારે વ્યવસ્થા સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer