સરકાર હવે લાવી શકે છે : `ડિજિટલ નોટ''

નવી દિલ્હી, તા. 5 : નોટબંધી બાદ કેન્દ્ર સરકાર આર્થિક સુધારાની દિશામાં એક વધુ મોટું પગલું લઇ શકે છે. બધું સમુંસૂતરું રહ્યું તો સરકાર કાગળની નોટની જેમ ડિજિટલ નોટ (કરન્સી) જારી કરી શકે છે. સૂત્રોનું માનવામાં આવે તો આ દિશામાં કામ થઇ રહ્યું છે. માધ્યમોના હેવાલ મુજબ આ સંબંધમાં આર્થિક બાબતોના સચિવની આગેવાનીમાં બનેલી સમિતિએ પોતાનો મુસદ્દા હેવાલ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે. કમિટીએ પોતાના મુસદ્દા હેવાલમાં આ મુદ્દે મહત્ત્વની ભલામણો કરી છે. આ હેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે ડિજિટલ નોટ બહાર પાડવા વિશે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. સરકારે વાસ્તવિક નોટની સાથે ઇલેક્ટ્રોનિક નોટ પણ જારી કરવી જોઇએ. જેનાથી બિટકોઇન જેવી વર્ચ્યુઅલ કરન્સીનો સામનો કરવામાં મદદ મળશે. આ ડિજિટલ કરન્સી કાગદી નાણાની જેમ જ કામ કરશે. તેમાં ફર્ક માત્ર એટલો હશે કે તેનાં ઉપર વ્યાજ પણ મળશે.  જો આ ચલણ પ્રચલનમાં આવે તો અર્થતંત્રમાં ધરખમ ફેરફાર આવશે. પ્રસાર માધ્યમોનાં અહેવાલો અનુસાર આર્થિક બાબતોનાં સચિવનાં વડપણ હેઠળ બનેલી સમિતિએ પોતાનો મુસદ્દો કેન્દ્ર સરકારને સોંપી દીધો છે અને તેમાં આવી અનેક મહત્ત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે. જેની સૌથી મહત્ત્વની ભલામણ ઈ-કરન્સી જારી કરવા સંબંધિત છે.  મોબાઈલ વોલેટમાં રહેશે ડિજિટલ નોટ એક પ્રકારે આ ચલણ તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવનાર ગેરકાનૂની બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીની (આભાસી ચલણ) જેમ જ કામ કરશે. જેને મોબાઈલ વોલેટમાં સંગ્રહી શકાશે. જેનાં ઉપર રિઝર્વ બેન્કનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. 

  બે પ્રકારની નોટ  સમિતિનાં સૂચન અનુસાર બે પ્રકારની નોટ જારી કરી શકાય. એક એવી નોટ જેનાં ઉપર વ્યાજ મળે અને બીજી નોટ કે જેનું મૂલ્ય સ્થિર રહે. એટલે કે જેનાં ઉપર વ્યાજ ન મળે. વ્યાજવાળી નોટો જેવી મુદ્રાનો સરકાર બોન્ડ જેવાં નાણાકીય સાધન તરીકે ઉપયોગ કરી શકશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer