દેવું ચૂકવવા માલ્યા તૈયાર

નવી દિલ્હી, તા. 5 : ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાએ બુધવારે એક ધ્યાન ખેંચનારા નિવેદનમાં વ્યાજ નહીં, પરંતુ બાકી રહે છે તે સંપૂર્ણ 100 ટકા નાણાં ચૂકવી આપવાની ઓફર ભારતીય બેંકોને કરી હતી. ભારતમાં મારા પ્રત્યાર્પણની અરજી પર યુ.કે.ની અદાલતનો ફેંસલો અલગ બાબત છે. સૌથી મહત્ત્વનો મુદ્દો તો જનતાનાં નાણાં છે, જે ચૂકવવાની ઓફર સ્વીકારવા બેંકો અને સરકારને અપીલ કરું છું, તેવું માલ્યાએ કહ્યું હતું. ચોમેરથી ઘેરાયેલા 62 વર્ષીય ભાગેડુ ઉદ્યોગપતિએ શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, ભારતમાં રાજનેતાઓ અને મીડિયા મારી વિરુદ્ધ બોલી રહ્યા છે પરંતુ મેં કર્ણાટક હાઇકોર્ટમાં લોન ચુકાવી દેવાના આપેલા પ્રસ્તાવ વિશે કોઇ બોલતું નથી. હું ડિફોલ્ટર છું, સરકારી બેંકોના પૈસા લઇને ભાગી ગયો છું તેવું ભારતીય મીડિયા જોશભેર કહી રહ્યું છે, પરંતુ આ બધું ખોટું છે. મારી સાથે યોગ્ય વ્યવહાર કેમ નથી કરાતો તેવો સવાલ માલ્યાએ ઉઠાવ્યો હતો. વધુમાં, માલ્યાએ કહ્યું હતું કે, ત્રણ?દાયકા સુધી શરાબ બનાવતી કંપનીઓનું દેશનું સૌથી મોટું જૂથ સંચાલિત કરીને મેં સરકારી ખજાનામાં હજારો કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. કિંગફિશર એરલાઇન્સે પણ સરકારને સારી કમાણી આપી છે. હું બેંકોને પૂરેપૂરી લોન ભરપાઇ કરી આપવાની ઓફર સ્વીકારવા અપીલ કરું છું તેવું માલ્યાએ કહ્યું હતું. સર્વોત્તમ એરલાઇન્સ કંપનીને ખોઇ બેસવું દુ:ખદ છે, પરંતુ તેમ છતાં હું બેંકોને પૂરેપૂરી લોનની રકમ ચૂકવવાની ઓફર કરી રહ્યો છું, તેવું માલ્યાએ ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer