ઇસરોની મોટી સફળતા : જીસેટ-11 લોન્ચ

નવી દિલ્હી, તા. 5 : ભારતે અવકાશમાં વધુ એક મોટી સફળતા મેળવતાં બુધવારે સવારે અત્યાર સુધીનો સૌથી ભારે વજન ધરાવતો 5845 કિલોગ્રામનો ઉપગ્રહ જીસેટ-11 અવકાશમાં છોડયો હતો. આ ઉપગ્રહની મદદથી ઇન્ટરનેટની ઝડપ વધતાં નેટના ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીસેટ-11ના સફળ પ્રક્ષેપણ બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઇસરો)ને અભિનંદન આપ્યા હતા. જીસેટ-11 આપણા અવકાશ કાર્યક્રમનું સીમાચિહ્ન છે, જે દુર્ગમ વિસ્તારોને જોડીને કરોડો ભારતીયોના જીવનમાં મોટો બદલાવ લાવશે તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાના સેન્ટરથી ફ્રાન્સના એરિયન-5 રોકેટની મદદથી જીસેટ-11 છોડાયો હતો. ભારતીય સમય અનુસાર મોડીરાત્રે  બે અને સાત મિનિટ અને ત્રણ અને 23 મિનિટ વચ્ચે ઉપગ્રહ છોડાયો હતો. આ ઘટનાને ઇસરોની મોટી સફળતા માનવામાં આવે છે. જીસેટ-11થી ભારતમાં ઇન્ટરનેટની ગતિ વધારવામાં મદદ મળશે. આ સફળતા ટેલિકોમ જગત માટે વરદાનરૂપ સાબિત થઇ શકે છે. કેમ કે આ ઉપગ્રહની મદદથી ઇન્ટરનેટની ઝડપ 14 જી.બી.પી.એસ. થઇ?શકે છે. આ સેટેલાઇટનું આયુષ્ય 15 વર્ષનું છે, જેમાં એક સોલાર પેનલ પણ લાગેલી છે. જીસેટ-11 દેશના દુર્ગમ ગ્રામીણ ક્ષેત્રોમાં બ્રોડબેન્ડ સંપર્ક સેવાને ગતિ આપશે. ઇસરોના અધ્યક્ષ સિવને કહ્યું હતું કે, જીસેટ-11 ભવિષ્યના તમામ પ્રકારના સંચાર ઉપગ્રહો માટે અગ્રદૂત સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, આગામી વરસે જીસેટ-20 ઉપગ્રહ લોન્ચ કરાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer