મિશેલ પાંચ દિ''ની સીબીઆઇ કસ્ટડીમાં

આનંદ કે. વ્યાસ દ્વારા  નવી દિલ્હી, તા. 5 : રાફેલ સોદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો માંડનારી કોંગ્રેસ હવે બેકફૂટ પર આવી ગઈ છે, કારણ કે દુબઈથી જેનું પ્રત્યાર્પણ કરાયું છે તે ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ સાથે કોંગ્રેસની મુસીબતો વધી શકે છે અને એનો આધાર મિશેલની તપાસમાં શું બહાર આવે છે એના પર રહેલો છે. આ બનાવથી કોંગ્રેસને ઘેરીને એને વિપક્ષોમાં એકલી પાડવા ભાજપ તમામ પ્રયાસો કરશે અને આવતા સપ્તાહથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સામે ખુલ્લા પ્રહારો કરશે. યુપીએ શાસન દરમિયાન અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર સોદામાં કહેવાતા વચેટિયા મિશેલને દુબઈએ ભારતને સોંપ્યો છે અને દિલ્હીની કોર્ટે તેને સીબીઆઇના કબ્જામાં પાંચ દિવસ સુધી મોકલી દીધો છે. વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે અબુધાબીમાં તેમના યુએઈના સમોવડિયા અબદુલ્લાહ બિન ઝાયેદ સાથે મંત્રણા કરી એ જ દિવસે મિશેલનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ડો. મનમોહનસિંહની આગેવાની હેઠળની સરકાર જ્યારે સત્તા પર હતી ત્યારે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ભૂતપૂર્વ વડાપ્રધાનો અને અન્ય વીઆઇપીઓ માટે 12 લક્ઝરી હેલિકોપ્ટરોની ખરીદી કરવામાં આવી હતી એ સોદો અગસ્તા વેસ્ટલેન્ડ કેસ તરીકે જાણીતો છે. 2014માં સરકારે આ સોદો એવા આક્ષેપો વચ્ચે રદ કર્યો હતો કે અગસ્તા વેસ્ટલેન્ડની પેરન્ટ કંપની ફિન્મેકેનિલ ઇટલીમાં લાંચના આરોપોનો સામનો કરી રહી હતી અને એણે ભારતમાં કટકી ચૂકવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કટકી તરીકે અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી 225 કરોડ રૂપિયા લીધા હોવાનો મિશેલ પર આરોપ મૂક્યો હતો. આ કેસમાં ગુઇડો હસ્કે અને કાર્લો ગેરોસા સાથે ત્રીજા વચેટિયા તરીકે મિશેલની તપાસ કરવામાં આવી રહી છે. ભારતે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે શરૂ કરેલી આવી જ પ્રત્યાર્પણની કાર્યવાહીમાં પ્રથમવાર એક સફળ પ્રત્યાર્પણના રૂપમાં મિશેલને ભારત લાવી શકાયો છે. સીબીઆઇના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભલના માર્ગદર્શન હેઠળ વચેટિયા મિશેલનું આ પ્રત્યાર્પણ પાર પાડવામાં આવ્યું છે અને આ કાર્યવાહીમાં સીબીઆઇના ઇન્ચાર્જ એમ. નાગેશ્વર રાવનું સંકલન રહ્યું હતું. મિશેલના પ્રત્યાર્પણ માટે જોઇન્ટ ડિરેક્ટર એ. સાઇ. મનોહરની આગેવાની હેઠળની સીબીઆઇની ટીમને દુબઈ મોકલવામાં આવી હતી. મિશેલના પ્રત્યાર્પણ માટે ભારતે સત્તાવાર રીતે યુએઈને 2017માં વિનંતી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer