પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતથી બે મોત

ગાંધીધામ, તા. 5 : અંજારના વીડી નજીક ગળપાદરથી મુંદરા જતા માર્ગ ઉપર ટ્રેઇલર અને બાઇક ટ્રક સામ-સામે ભટકાતાં ટ્રકના ચાલક એવા લક્ષ્મણરામ રેવતારામ જાટ (ચૌધરી) (ઉ.વ. 23)નું મોત થયું હતું. તો સામેના વાહનચાલકને ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ ભચાઉના લાખાવટ-વિજપાસર વચ્ચે બાઇક ઝારા ઝાડમાં અથડાતાં સુરેશ બાબુ કોળી નામના યુવાનનું મોત થયું હતું તેમજ અન્ય એકને ઇજા પહોંચી હતી. ગળપાદરથી મુંદરા જતા માર્ગ ઉપર વીડી ગામ નજીક શંકર ભગવાનના મંદિર પાસે આજે સવારે જીવલેણ અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ડાલુરામ ટીકુરામજી ચૌધરી નામનો યુવાન ટ્રેઇલર નંબર જી.જે. 12-એ.યુ. 6686વાળું લઇને જઇ રહ્યો હતો. ત્યારે સામેથી આવનારી બલ્કર ટ્રક નંબર જી.જે. 03 એ. એક્સ. 5062વાળી રોંગ સાઇડમાં આવી આ ટ્રેઇલરમાં ભટકાતાં બલ્કર ટ્રકના ચાલક લક્ષ્મણરામને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું, તો ટ્રેઇલરના ચાલક ડાલુરામને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. બીજી બાજુ લાખાવટ અને વિજપાસર વચ્ચે દોરાવાળી તળાવડી નજીક ગઇકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો. લાખાવટના રહેવાસી નરેશ ખીમા કોળી અને આધોઇમાં રહેનારા સુરેશ કોળી બાઇક નંબર જી.જે. 12-બી.કે. 6481 લઇને  જઇ રહ્યા હતા, દરમ્યાન તેમનું બાઇક ઝારાના ઝાડમાં ભટકાતાં સુરેશને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જેમાં તેનું મોત થયું હતું. જ્યારે નરેશને અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. આ બન્ને બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer