પ્રશ્નો ઉકેલવાની ધરપત વચ્ચે ગાંધીધામની જનઆક્રોશ રેલી યથાવત્

10 દિ'માં મોરગેજ ફી નજીવી કરી દેવાશે - ગાંધીધામ, તા. 5 : અહીંની ટાઉનશિપની જમીનોની મોરગેજ-ટ્રાન્સફર ફી, ફ્રી હોલ્ડ જમીનની અધૂરી પ્રક્રિયા, કોમર્શીયલ ઇન્ડસ્ટ્રીયલ જમીનો પણ ફ્રી હોલ્ડ કરવી તથા સંકુલની જમીન નીતિ ઘડવા સહિતની મુખ્ય પાંચ માગણીઓને લઇને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ 7મીએ યોજાનારી જનઆક્રોશ મહારેલીને પગલે હરકતમાં  આવેલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકારો સાથે વાતચીત કરતાં મોરગેજ ફી નજીવી કરવાની જાહેરાત કરી હતી અને તેનો અમલ 10 દિવસમાં જ થઇ જશે તેવું જણાવી અન્ય તમામ મુદે્ પ્રશાસનનું હકારાત્મક વલણ છે અને તે તમામનો નિવેડો લવાશે તેવું ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકોની તકલીફ પ્રશાસન સમજે છે એટલે આક્રોશની કોઇ જરૂર નથી. પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે જમીનના પ્રશ્નો પ્રત્યે પ્રશાસન હકારાત્મક છે અને તેને ઉકેલવા સંદર્ભે જ કેન્દ્રીય શિપીંગ સચિવ અહીંની મુલાકાતે આવ્યા હતા. કેટલાક પ્રશ્નો બોર્ડ ઉકેલી શકે તેમ છે જ્યારે કેટલાક નીતિગત હોવાથી તે માટે પ્રક્રિયા જરૂરી છે. પ્રશ્નોના અભ્યાસાર્થે આઇ.પી.ઓ.ની ટીમ અહીં આવી હતી અને સૌને સાંભળ્યા હતા. તે પછી તમામ મહાબંદરગાહોના ચેરમેન-ડેપ્યુટી ચેરમેનો સાથે આઇ.પી.ઓ.માં એક મંથન શિબિર યોજાયો હતો. તેમાં પણ મોટા ભાગના કંડલાના પ્રશ્નો ચર્ચાયા હતા. આ સમગ્ર પ્રક્રિયા બાદ એક અહેવાલ તૈયાર કરીને શિપીંગ મંત્રાલયને મોકલાયો છે. 18મીએ આ મુદે્ દિલ્હીમાં બેઠક યોજાઇ છે. કંડલા સંકુલ સહિતના આવા પ્રશ્નો ઉપર તેમાં નિર્ણય થશે. છેલ્લા ચાર મહિનાથી ગાંધીધામ સંકુલના પ્રશ્ને અમે ખૂબ મહેનત કરી છે તેવું તેમણે ઉમેર્યું હતું. ગાંધીધામ ચેમ્બરે ઉઠાવેલા પાંચ મુદાનો મુદાસર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, મોરગેજ ફી કેન્દ્ર સરકારના જાહેરનામાને આધારે લાગુ કરાઇ છે. ઘણા ઊંચા ભાવ છે તે અમે સ્વીકારીએ છીએ. ભૂતકાળમાં તેઓ જ્યારે હાઉસિંગ બોર્ડમાં હતા ત્યારે આવો જ પ્રશ્ન ઊભો થયો હતો. આવતી તા. 14-12ના યોજાનારી ડીપીટી બોર્ડ બેઠકમાં ઠરાવ કરીને મોરગેજ ફી નજીવી કરી દેવાશે. ઉપરાંત દેશના તમામ મહાબંદરે મોરગેજ ફી ઘટાડાશે તેવું તેમણે કહ્યું હતું. ટ્રાન્સફર ફીને લાગેવળગે છે ત્યાં સુધી લીઝ ડીડમાં બંને પક્ષે વાત સ્વીકારાયેલી છે. પ્લોટની મૂળ રકમ ઓછા બજાર ભાવ ગુણ્યા બે કરવાથી જે રકમ આવે તે ભરવાની થાય છે. ભૂતકાળમાં બજાર ભાવના સ્થાને ડેવલપમેન્ટ ચાર્જ લેવાતો હતો. જે અંગે કાનૂની અભિપ્રાય આવતાં બજાર ભાવ સ્વીકારાયો જેથી ટ્રાન્ફર ફી વધી ગઇ. હવે કાનૂની રીતે તેમાં ફેરફાર કરીને રીઝનેબલ ચાર્જ કરવો પડે. આ ફેરફાર કરવા અમે મંત્રાલયને ભલામણ મોકલી રહ્યા છીએ. અલબત્ત તેમાં સમય લાગશે. પરંતું જો વ્યક્તિ ફ્રી હોલ્ડ કરાવશે તો ટ્રાન્સફર ફી આપોઆપ બંધ થઇ જશે. ફ્રી હોલ્ડ થયા બાદ તેનું દફતર રાજ્ય સરકાર જ્યાં સુધી વ્યવસ્થા ઊભી કરીને સ્વીકારશે નહીં ત્યાં સુધી અમે તે રેકર્ડ અને ફરજ નિભાવશું ફ્રી હોલ્ડમાં રહેણાંક ઉપરાંત કોમર્શીયલ અને ઔદ્યોગિક પ્લોટોને સમાવવા આગામી 14મીની બોર્ડ બેઠકમાં ભલામણનો ઠરાવ પસાર કરીને મંત્રાલયને મોકલાશે. 2014ની જમીન નીતિમાં જ કેટલાક ફેરફાર લાવીને ગાંધીધામ સંકુલની નીતિ સમાવી લેવાશે. હવે નવી નીતિની કોઇ જરૂર નથી તેવું તેમણે ઉમેર્યું હતું. ડીપીટી જાહેરમાં આવી સ્પષ્ટતા કરે તે જરૂરી   ગાંધીધામ, તા. 5 : 7મીએ યોજાનારી જનઆક્રોશ મહારેલીને લઇને આજે સવારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ સંજય ભાટિયાએ મુંબઇથી વીડિયો કોન્ફરન્સ મારફતે પત્રકારો સાથે કરેલી વાતચીતને લઇને અહીંની વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કામેર્સે રેલી સમક્ષ જાહેરમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું છે અને આંદોલનાત્મક કાર્યક્રમો જારી રાખવાની જાહેરાત કરી છે. ચેમ્બરના માનદ્ મંત્રી આશિષ જોશીએ એક યાદીમાં જણાવ્યું છે કે ટ્રાન્સફર ફીને કાનૂની મુદો ગણાવીને ઉકેલવા સમય લાગશે તેવું ચેરમેને કહ્યું તે સામે એવો મુદો ખડો કર્યો હતો કે દેશનું એક જ બંધારણ છે ત્યારે ટ્રાન્સફર ફી મુંબઇ પોર્ટમાં અલગ અને કંડલામાં અલગ કેમ હોય ? મોરગેજ ફી નજીવી કરવાનું પગલું આવકારદાયક છે પરંતુ તેને લગતી તમામ સ્પષ્ટતા અમલની તારીખ સહિતની જાણકારી જાહેર કરવી જોઇએ જેથી સંકુલની પ્રજાને હૈયાધારણ મળે તથા વિશ્વાસ ઊભો થાય ફ્રી હોલ્ડ કર્યા પછી જમીનો રેકર્ડ હાલ તુરત નિભાવવા એ કામચલાઉ વ્યવસ્થા છે તમામ રેકર્ડ ડીપીટી પાસે હાજર છે તે રાજ્ય સરકારને તબદીલ કરવો જોઇએ. જ્યાં સુધી સિટી સર્વે કચેરી ગાંધીધામમાં ન સ્થપાય ત્યાં સુધી ખરા અર્થમાં આ મુદાનું નિરાકરણ થતું નથી. ગઇકાલે ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સિટી સર્વે કચેરી ગાંધીધામમાં તાત્કાલિક શરૂ કરવા પ્રિન્સીપલ સેક્રેટરી મનોજદાસને સૂચના આપી હતી. આ વેળા સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, શહેર ભાજપ પ્રમુખ દીપક પારખ ઉપસ્થિત રહ્યા હતા. કોમર્શીયલ અને ઔદ્યોગિક પ્લોટોને ફ્રી હોલ્ડ કરવા સંદર્ભે 14મીના બોર્ડમાં જરૂરી ઠરાવ કરવાના મુદે ચેમ્બરે કહ્યંy હતું કે નજીકના ભૂતકાળમાં આવી બાંહેધરી આપવામાં આવી હતી પણ તેમ છતાં કોઇ કાર્યવાહી થઇ નહોતી. ખરેખર તો એક જ જાહેરનામા દ્વારા તમામ જમીનો ફ્રી હોલ્ડ કરી શકાય. નવી જમીન નીતિ તૈયાર કરાય તો તે 1997 પછી જમીનની થયેલી ફાળવણીને જ લાગુ પડે, જ્યારે ડીપીટીએ 1997 પહેલાંના પ્લોટો ઉપર પણ તોતીંગ લીઝ રેન્ટલ લાદી દેતાં તેનો ચેમ્બર વિરોધ કરે છે. ભૂતકાળમાં ચેમ્બરે જ્યારે લેખિત-મૌખિક રજૂઆત કરી છે ત્યારે ત્યારે આવાં જ આશ્વાસન મળ્યાં છે. એમ છતાં આજ સુધી પ્રશ્નો ઉકેલાયા નથી. તેથી ગાંધીધામ ચેમ્બર, સંકુલના સર્વે સમાજ, સંગઠનો આમ જનતા તા. 7-12ના જનઆક્રોશ મહારેલીનો કાર્યક્રમ જારી રાખશે તેવું યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે 7મીના રેલી પૂર્વે 6ઠ્ઠીએ ત્રણથી ચાર હજાર યુવાઓની બાઇક રેલી આદિપુર-ગાંધીધામમાં ફરશે. દરમ્યાન રેલી સ્વરૂપે જઇને ડી.પી.ટી. પ્રશાસનને આવેદનપત્ર આપશે. 7મીએ સમગ્ર ગાંધીધામ સંકુલ અડધો દિવસ બંધ પાળશે. જેમાં મુખ્ય બજાર ઉપરાંત અન્ય વેપારીઓ તથા ઉદ્યોગકારો પણ જોડાશે.  આ માટેની વ્યૂહરચના અગાઉથી જ ઘડી કઢાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer