પંજાબી ખેડૂતોની લોન બંધ થતાં સ્થિતિ કફોડી

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 5 : લખપત તાલુકાના નરા, અબડાસાના કોઠારા, અરજણપર, નખત્રાણા તા.ના ઘડાની સહિતનાં સ્થળોએ પાંચ દાયકા પૂર્વે સ્થાયી થયેલા પંજાબી પરિવારોની તંત્ર દ્વારા ખેતીની જમીન ફ્રીઝ થતાં પરપ્રાંતીય મહેનતકશ ધરતીપુત્રોને ખેતીના ખર્ચ માટે પાક ધિરાણ, બોર-કૂવા, ટપક પદ્ધતિ સહિતની બેન્કેબલ લોન બંધ કરવામાં આવતાં સ્થિતિ કફોડી બની છે. સને 1965થી અગાઉ ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી સરહદની સુરક્ષા મજબૂત કરવા હેતુથી સરકાર દ્વારા રાષ્ટ્રભક્ત પંજાબી શીખ બહાદુર કોમને  કચ્છના છેવાડાના સરહદી વિસ્તાર નરામાં આશ્રય અપાયો હતો. તેમની આજીવિકા માટે ખેતી માટે કાયદેસર દસ્તાવેજથી જમીન ફાળવવામાં આવી અને એ ખેતીના વિકાસ માટે મોટા કદના નરા ડેમનું નિર્માણ થયું. ખંતીલા અને મહેનતકશ શીખ ખેડૂતોએ આ વિસ્તારની હજારો એકર ખેતીને સમૃદ્ધ બનાવતા નરાને એક મિની પંજાબ તરીકે બિરૂદ મળ્યું, બીજી તરફ અબડાસા તાલુકાના કોઠારા, અરજણપર, કનકપર વિસ્તારમાં પણ પંજાબી ખેડૂતોએ અડ્ડો જમાવી મગફળી, એરંડા, કપાસ, ઘઉં, બાજરો સહિતની ખેતપેદાશોનું જંગી ઉત્પાદન કરી આ કૃષિપ્રધાન દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન પ્રદાન કર્યું છે. ખેતી સાથે પશુપાલનનો પણ વિકાસ થયો પણ છેલ્લા સાતેક વરસથી આ ખેડૂતોને રાજકારણનું ગ્રહણ લાગતાં તેમની ખેતીની જમીન ફ્રીઝ થતાં ખેતીલક્ષી તમામ બેન્કેબલ યોજનાની લોન બંધ કરવામાં આવતાં ખેતીને આવશ્યક ખર્ચ માટે આર્થિક મદદ બંધ થતાં અનેક ખેડૂતોને અનિવાર્ય ખેતી બંધ કરવી પડી છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. વધુમાં વર્તમાનમાં કુદરતની અવકૃપાથી વરસાદના અભાવે ડેમમાં પાણી નહીં હોવાથી તેમજ કૂવા-બોરના પાણી ક્ષારયુક્ત હોવાથી જેમની ખેતી ચાલુ છે તેમની પણ ખેતપેદાશ અર્થહીન બનતાં સેંકડો પંજાબી પરિવારોની રોજીરોટી માટે આર્થિક સંકટ ઊભું થયું છે.આ વિકટ સમસ્યાની આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે રજૂઆત કરાતાં તેમણે આ પ્રશ્નની વિધાનસભા, સંકલન સમિતિની બેઠકો સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે, વધુમાં આ ખેડૂતોને થયેલા અન્યાય અંગે સંકલનની બેઠકમાં પણ સ્થાયી લોકોની જમીનો રજિસ્ટ્રેશન દસ્તાવેજ થયા છે. ઉપરાંત સ્થાનિકોની વડીલોપાર્જિત જમીનો ધરાવતા ખાતેદારો પરપ્રાંતીયોના ભળતાં નામોની શંકાના આધારે ખાતા શા માટે રદ કરવામાં આવ્યા છે ? એવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જિલ્લા સમાહર્તા દ્વારા મળેલા જવાબમાં જે તે વખતે પરપ્રાંતીયો ખાતેદારોના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા, તે અંગે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલા દાવા સંબંધિત ખાતેદારો હતા. તેઓના ખાતા ડીફ્રીઝ કરવામાં આવ્યા છે, જેથી આ બાબત હવે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયાધીન હોઇ હાલે  કંઇ થઇ શકે નહીં તેવો જવાબ મળ્યો છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer