યુનિ.માં ગાંધીજી પર આંતર. પરિષદ

ભુજ, તા. 5 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના 150મી જન્મજયંતી વર્ષની ઉજવણી ચાલી રહી છે, ત્યારે કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ અને મુંબઇ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત અભ્યાસ કેન્દ્ર `કન્સ્ટ્રકશન ઓફ હોમ એન્ડ બિલોન્ગીંગ ઇન્ડિયન ડાયાસ્પોરા સેન્ટર' (કોહબ)ના સંયુકત ઉપક્રમે મહાત્માના વિચારોનું  સ્મરણ અને મનોમંથન માટે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આ પરિષદમાં પેપર રજૂ કરવા નોંધણીની માહિતી વેબસાઇટમાં મુકાયાના ટૂંકાગાળામાં જ સારો પ્રતિસાદ મળ્યો છે. કચ્છ યુનિવર્સિટી ખાતે આગામી 8-9 ફેબ્રુઆરીના યોજાનારી આ પરિષદમાં દેશ-વિદેશના નિષ્ણાંત વિદ્વાનો, પ્રાધ્યાપકો, વકતવ્યો આપશે. આફ્રિકામાંથી નિષ્ણાત વકતાઓ આવશે. આ પરિષદમાં ગાંધીજીના વિચારોની  આજના સંદર્ભમાં પ્રસ્તુતતા, 21મી સદીમાં  ગાંધીજીના અહિંસાના વિચારો, ગાંધીજીની આર્થિક નીતિ, મહિલા અને ગાંધીજી, કસ્તૂરબા અને ગાંધીજી, વિશ્વભરમાં ગાંધીજીનો પ્રભાવ, વિજ્ઞાન અને ગાંધીજી તેમજ કાયદો અને ગાંધીજી જેવા વિષયો પર પ્રશ્નપત્રો રજૂ કરાશે. કચ્છ યુનિ.ના અંગ્રેજી વિભાગના વડા ડો. કાશ્મીરા મહેતા અને મુંબઇ યુનિ.ના સીઓએચએબી-આઇડીસીના પ્રા. ડો. નિલોફર ભરૂચા એ પરિષદના ડાયરેક્ટર છે. કોહબ-આઇડીસીએ યુનિ.ના ડાયાસ્પોરા કન્સ્ટ્રકશન ઓફ કાર્યક્રમનો  બીજો તબક્કો છે. જે 2012માં શરૂ કરવામાં આવ્યો હતો અને જેણે શિક્ષણ અને સંશોધનમાં ઉચ્ચ પ્રતિષ્ઠા હાંસિલ કરી છે. પરિષદમાં સાબરમતી આશ્રમના ટ્રસ્ટી ડો.  સુદર્શન આયંગર, `સ્વજન'ના પ્રમુખ અને લેખક રમેશ સંઘવી, નાઇરોબીના માનવાધિકાર ધારાશાત્રી ફેરોઝ નવરોજી, દક્ષિણ આફ્રિકાની ક્વાઝુલુ નાતાલ યુનિ.ના ઇતિહાસકાર ગુલામ વાહેદ, દક્ષિણ આફ્રિકાની જોહાનિસબર્ગ યુનિ.ના અશ્વિન દેસાઇ, મુંબઇ ટાટા ઇન્સ્ટિટયૂટનાં પ્રા. વિભૂતિ પટેલ, હૈદરાબાદથી સુજાત પટેલ, વર્ધા ઇન્સ્ટિટયૂટના  સી.બી. જોસેફ, આફ્રિકા સ્થિત ગાંધી વિકાસ ટ્રસ્ટ કો-ઓર્ડિનેટર કાન્યા પદાપરી, મેરઠ ઓપન યુનિ.ના સુશીલા ગોપાલુ, ગુજરાત વિદ્યાપીઠના પુષ્પા મોતિયાની, રોમાનિયાથી એકસાના મારીનેસુ, દિલ્હીથી નિશીકાંત કોલગે, `ગાઇડ' સંસ્થાના વિજયકુમાર વિશ્વભારતી યુનિ.ના પ્રો. સોમદત્ત મંડલ વિ. ઉપસ્થિત રહીને વકતવ્ય આપશે. કોઇ વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર કે શિક્ષણશાત્રીઓ પોતાનું  પેપર રજૂ કરવા માગતા હોય તો  8મી જાન્યુઆરી સુધીમાં ઇમેલથી મોકલી શકાય છે. વધુ વિગતો કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર  મૂકવામાં આવી છે. પસંદ કરવામાં સંશોધનપત્રનું આઇએસબીએન નંબર સાથે  પ્રકાશન  કરવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer