છસરામાં હત્યાકાંડના આરોપી મહિલા સરપંચ હોદ્દા પરથી દૂર

મુંદરા, તા. 5 : તાલુકાના છસરા ગામના 6-6 વ્યકિતને મોતને ઘાટ ઉતારનારા હત્યાકાંડના આરોપી એવા ગામના સરપંચ શકિનાબેન આરબ બોલિયાને તેના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તા. 23-11-18ના નિર્મમ હત્યાકાંડના આરોપીઓ પૈકીના એક આરોપી શકિનાબેનની તા. 30-11-18ના પોલીસે ધરપકડ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) મુજબ તેમને સસ્પેન્ડ કર્યા છે.  મુંદરા તાલુકા પંચાયત કચેરીના તા. 4/12/18વાળા પત્રમાં જણાવ્યા અનુસાર છસરા ગ્રામ પંચાયતના સરપંચની બેઠક ખાલી પડતાં પંચાયતના સરપંચના હોદ્દાનો ચાર્જ ઉપસરપંચ દિવ્યાબેન બિપિનકુમાર ચોથાણીને સુપરત કરવાનો હુકમ કર્યો છે. તા.પં.ના અન્ય પત્રમાં સરપંચ શકિનાબેનને હોદ્દા ઉપરથી મોકૂફ કરવાના હુકમની બજવણી તેમના રહેણાકના મકાન ઉપર ચોંટાડી કરવામાં આવી હતી. તેમજ તલાટી સહમંત્રી છસરાનો રિપોર્ટ તથા ફોટોગ્રાફ તંત્રે મેળવી લીધા છે. દુ:ખદ વિગત એ છે કે, છ-છ વ્યકિતનો જીવ લેનારા છસરા હત્યાકાંડ પાછળનું કારણ પણ સરપંચ પદની ચૂંટણી હોવાનું લોકો જણાવે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer