ડીપીટીની નફાખોરીમાંથી ગાંધીધામ સંકુલને મુક્તિ અપાવવી જરૂરી

ગાંધીધામ, તા. 5 : લીઝ હોલ્ડ જમીન ફ્રી હોલ્ડ કરવી, લીઝની જમીનોમાંથી લેવાતી ટ્રાન્સફર - મોરગેજ ફી, લીઝ રેન્ટ વગેરેમાં થયેલા અસહ્ય વધારા જેવા ગાંધીધામ-કંડલા સંકુલના પ્રશ્ને 7મીએ યોજાનારી જનઆક્રોશ મહારેલીને કચ્છ  જિલ્લા કોંગ્રેસે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2014માં કેન્દ્રની યુ.પી.એ. સરકારે જાહેર કરેલી ફ્રી હોલ્ડ યોજના પછીથી એન.ડી.એ. સરકારના ચાર વર્ષના શાસન છતાં લટકી પડી છે. જિલ્લા કોંગ્રસ જુદા  જુદા 11 મુદ્દાને  લઈને આગામી સમયમાં પ્રશાસન સામે લડત  ચલાવશે. ગાંધીધામ કંડલા સંકુલની રહેણાક, કોમર્શિયલ કે ઔદ્યોગિક એમ તમામ પ્રકારની જમીનો ફ્રી હોલ્ડ કરી વિવિધ પ્રકારની ફીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાય, ડીપીટીમાં કાયમી ચેરમેનની નિમણૂક થાય, અન્ય મહત્ત્વની ખાલી જગ્યા પૂરાય, આયાત-નિકાસકારોના પ્રશ્નો ઝડપથી ઉકેલાય, અધર ઈન્ટરેસ્ટના ટ્રસ્ટીઓ નિયુક્ત થાય, ગાંધીધામ ચેમ્બરને તેમાં સમાવાય, ખાનગી બંદરોને પ્રોત્સાહનની નીતિ પડતી મુકાય, ભ્રષ્ટાચાર દૂર થાય, સ્ટીવીડોરિંગ કોન્ટ્રેક્ટમાં પારદર્શિતા આવે, કેમિકલ, ગેસ ગળતર જેવા મુદ્દે પગલાં લેવાય, સંકુલના વિકાસ અર્થે નાણાં ફાળવાય વગેરે  પ્રશ્ને કોંગ્રેસ રજૂઆત કરશે તેવું પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને ટાંકીને યાદીમાં  જણાવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer