કચ્છને અછત રાહત કામગીરીમાં અન્યાય : ફોર્મ સ્વીકારાતાં નથી

રાપર, તા. 5 : કચ્છ અછતગ્રસ્ત જિલ્લો હોવા છતાં પણ આજ દિન સુધી અછતની કામગીરી શરૂ કરવામાં આવી નથી તેવી રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરતાં ઉમેર્યું હતું કે કચ્છને થતા અન્યાય સામે તાત્કાલિક ધોરણે ઘટતી કાર્યવાહી કરાવો. રવી પાકનું વાવેતર થઇ ગયું હોવા છતાં પણ નર્મદા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું નથી. જો આવી પરિસ્થિતિ રહેશે તો રવીપાક પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે. સરકાર દ્વારા ઘાસ ડેપો તો શરૂ કરવામાં આવ્યા છે પણ પૂરતા પ્રમાણમાં ઘાસ પૂરું પાડવામાં આવતું નથી તેમજ રાપર મત વિસ્તાર ખેતી પર આધારિત હોવાથી સિંચાઇ તેમજ ખાસ કરીને પીવાનું પાણી મુખ્ય પ્રશ્ન છે. વધુમાં વિગતો આપતાં જણાવ્યું કે, હાલના સમયમાં અમુક પસંદગીના તાલુકાઓને અછત રાહત પેટે એકરદીઠ રકમ ચૂકવણી કરવાનું સરકારે નક્કી કર્યું છે. દરેક જિલ્લાઓમાં અછત રાહત અંગેની સહાયના ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ થઇ ગઇ છે પરંતુ હાલના સમયમાં કચ્છમાં થઇ નથી. માટે કચ્છને થઇ રહેલા અન્યાય સામે તાત્કાલિક ધોરણે ઘટતું થાય તેવી માંગ ધારાસભ્યે કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer