કાલે અંજાર ખાતે આઇ.સી.ડી.એસ.ની બનનારી નૂતન કચેરીનું ખાતમુહૂર્ત

અંજાર, તા. 5 : અહીં સંકલિત બાળ વિકાસ યોજના ઘટક કચેરીના નૂતન મકાનના ખાત મુહૂર્તનો કાર્યક્રમ તા. 7ના શુક્રવારે સવારે 10 વાગ્યે તાલુકા પંચાયત કચેરીના પટાગણમાં યોજવામાં આવશે. આ કચેરીના મકાન માટે રાજ્ય સરકાર  દ્વારા ખાસ કિસ્સા તરીકે 32 લાખ રૂા. મંજૂર કરવામાં આવ્યા છે. આ નૂતન ભવનમાં આઇ.સી.ડી.એસ. ઘટક-1 અને 2 એમ કુલ્લ બે કચેરી અને 400 જણાનું મહેકમ ધરાવતી કચેરીનો સમાવેશ થાય છે. આ નૂતન ભવનના કામનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે કરાશે. આ કાર્યક્રમમાં જિ.પં. કારોબારી ચેરમેન હરિભાઇ જાટિયા બાંધકામ સમિતિના ચેરમેન ભીમજીભાઇ જોધાણી, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરપર્સન પાર્વતીબેન મોતા, અંજાર તા.પં. પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, અંજાર નગરપાલિકા પ્રમુખ રાજેશભાઇ ઠક્કર, વિવિધ ગામોના સરપંચો હાજર રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer