કેમ્પના રસ્તાના ખાતમુહૂર્ત વખતે રહીશોએ આવકાર્યા છે, વિરોધ નથી

કેમ્પના રસ્તાના ખાતમુહૂર્ત વખતે રહીશોએ આવકાર્યા છે, વિરોધ નથી
ભુજ, તા. 20 :શહેરના કેમ્પ વિસ્તારને સમાવતા વોર્ડ નં. 4નાં જર્જરિત રસ્તાઓનું કામ 14મા નાણાપંચની ગ્રાંટમાંથી નગરસેવકોએ જ મંજૂર કરાવ્યું અને ખાતમુહૂર્ત પણ કર્યું, આ ખાતમુહૂર્ત ટાણે રહેવાસીઓએ કોઇ વિરોધ કર્યો જ નથી પરંતુ વોર્ડની ચૂંટણી લાગલગાટ હારી ચૂકેલા કોંગ્રેસના આગેવાને આવીને વિરોધનો પ્રયાસ કર્યો હોવાની સ્પષ્ટતા વોર્ડ નં. 4ના નગરસેવકો અબ્દુલરજાક કે. માંજોઠી, દિલીપ હડિયા, હેમાબેન ભાનુશાલીએ કરી છે. નગરસેવકો ખાતમુહૂર્ત કરવા ગયા અને રહીશો ઉશ્કેરાયા એ શીર્ષક સાથેના હેવાલને વખોડી કાઢતાં આ ભાજપના નગરસેવકોએ સ્પષ્ટતા યાદીમાં જણાવ્યું કે સીસી રોડના ખાતમુહૂર્ત ટાણે રહીશો તો ઉત્સાહથી કામને વધાવતા હતા. સ્થળ પર કોઇ હાથાપાઇ નથી થઇ, સ્થળ બદલાવ્યું પણ નથી, કોંગ્રેસના હારી ચૂકેલા અગ્રણીએ આ ખાતમુહૂર્તના કામમાં વિવાદનો પ્રયાસ કર્યો હતો પણ આ કામ નગરસેવકોએ જ 14મા નાણાપંચની ગ્રાંટમાંથી પાસ કરાવ્યું હોવાની સ્પષ્ટતા કરી દેવાઇ હતી. કેમ્પના જર્જરિત રસ્તા સુધારણા કામનું ખાતમુહૂર્ત કેમ્પ મસ્જિદ પાછળ અમીનભાઇ ખત્રીનાં ઘર પાસે થયું હતું. જેમાં ભાજપના નગરસેવકો  હાજર હતા. રૂા. સાડા આઠ લાખના ખર્ચે થનારા આ કામ બદલ રહેવાસીઓ રફીક ખોજા, પરવેઝ સુમરા, જુશબ બ્રેર, ઇમરાન બ્રેર, સાજીદ બ્રેર, અમીન ખત્રી, રફીક ખોજા, મામદ થેબા, સિધિક થેબા, રફીક લુહાર, જાવેદભાઇ થેબા સહિતનાએ આવકારી હતી. મનસુર બ્રેર સહિતના હાજર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer