ભુજ, તા. 20 : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ માધાપર ખાતે ડો. સુધીરભાઇ પાલેજા દ્વારા તેમના પોત્ર ચિ. દૈવત રિતેશ પાલેજાના જન્મદિવસ નિમિત્તે આયુર્વેદિક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. 65 દર્દીઓની તપાસ થઇ હતી.કેમ્પનું દીપ પ્રાગટય ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ધારાસભ્યનું ગાયત્રી શક્તિપીઠ માધાપરના બહેનો દ્વારા તેમજ માધાપર બ્રહ્મસમાજના હોદ્દેદારો તેમજ ઉપસ્થિત કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઇ ખંડોલ, ભારત મહારાજ, ડો. અમિતભાઇ ત્રિપાઠી, ડો. પાલેજા, પેન્શનર એસોસીએશનના કન્વીનર ડી. એચ. મહેતા, ડી. પી. ગુંસાઇ, તાલુકા ભાજપના દિનેશ ઠક્કર હાજર રહ્યા હતા. ડો. વરૂ તેમજ ડો. સંદીપ સાગર તથા મેડિકલ ટીમના ખત્રીભાઇ, ભાસ્કરભાઇ, શાહભાઇ, જુગતરામ, બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ તેમજ મહિલા શાખાની બહેનોએ સહયોગ આપ્યો હતો. દર્દીઓની લાઇન લાગી હતી. ધારાસભ્ય ડો. આચાર્યે ગાયત્રી શક્તિપીઠને બે લાખની મંજૂર થયેલી ગ્રાન્ટનો પત્ર ટ્રસ્ટીઓને અર્પણ કર્યો હતો. ગાયત્રી શક્તિપીઠમાં ચાલતા બાળ-સંસ્કાર, શાળાના ભૂલકાં માટે રમતગમતનાં સાધનોની વિશેષ જાહેરાત કરતાં આનંદની લાગણી ફેલાઇ હતી. માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ કાર્યકર્તા તેમજ શક્તિપીઠના હોદ્દેદારોની પીઠ થાબડી તથા લોકકલ્યાણના કામો ગાયત્રી શક્તિપીઠ દ્વારા થાય છે એ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. સંચાલન ટ્રસ્ટી શિવજીભાઈ મોઢે કર્યું હતું.
માધાપર ગાયત્રી શક્તિપીઠ ખાતે આયુર્વેદ કેમ્પ યોજાયો
