દુષ્કર્મ કેસમાં છબીલભાઇને આગોતરા જામીન મળવા સાથે કાયદાની રાહત

ભુજ, તા. 20 : દેશના પાટનગર દિલ્હી ખાતે નોંધાયેલા વિધવા મહિલા સાથેના દુષ્કર્મ આચરવા સાથે તેની જાતીય સતામણી સાથે બ્લેકમેઇલ કરવા સહિતના આરોપો સાથેના ફોજદારી કેસનો સામનો કરી રહેલા કચ્છના અબડાસાના માજી ધારાસભ્ય છબીલભાઇ નારાણભાઇ પટેલને આગોતરા જામીન સાથે કોર્ટ દ્વારા કાયદાકીય રાહત મળી છે. અબડાસાના માજી ધારાસભ્ય છબીલભાઇ પટેલ સામે દિલ્હીના દ્વારકા (પૂર્વ) પોલીસ મથકમાં આ કેસ વિવિધ કલમો તળે દાખલ થયા બાદ શ્રી પટેલ માટે આગોતરા જામીનની માગણી કરવામાં આવી હતી. ફરિયાદમાં બતાવાયેલી વિગતો અને વાસ્તવિકતાનો મેળ ન પડવો, અધૂરી વિગતો અને બનાવવાળા દિવસે પોતાની અન્યત્ર હાજરી સહિતના રજૂ થયેલા શ્રી પટેલ તરફના પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ વિકાસ ધલ દ્વારા તેમને આગોતરા જામીન આપતો  આદેશ કરાયો હતો.  ન્યાયાધીશે આગોતરા મંજૂર કરતાં આ ચુકાદામાં પોલીસની તપાસમાં સહકાર આપવાનો આદેશ કરતાં એવું પણ જણાવ્યું છે કે પોલીસ દ્વારા જો આરોપીની ધરપકડ કરાય તો તેને રૂા. 50 હજારના વ્યક્તિગત બોન્ડ ઉપર જામીન આપવાના રહેશે. આગોતરા જામીન માટેની આ સુનાવણીમાં બચાવપક્ષ દ્વારા એવી બાબત અને દલીલો દિલ્હી દ્વારકા કોર્ટ સમક્ષ રજૂ કરાઇ હતી કે આ સમગ્ર મામલો રાજકીય કાવાદાવા અને હુંસાતુંસી થકી ઊભો કરવામાં આવ્યો છે. આ સુનાવણીમાં શ્રી પટેલ વતી વકીલ તરીકે આઇ.એન. રાવ અને અક્ષય સચદેવા હાજર રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer