મહેસૂલ તંત્રમાં રોસ્ટર અને હાઈકોર્ટના આદેશનું પાલન ન થતું હોવાનો આક્ષેપ

ભુજ, તા. 20 : કચ્છમાં મહેસૂલ તંત્રમાં 38 વર્ષ સુધી ફરજ બજાવનારા અને નાયબ મામલતદાર તરીકે નિવૃત્ત થયેલા કાનજીભાઈ એ. મહેશ્વરીનો આક્ષેપ છે કે રાજ્યની વડી અદાલતનો આદેશ હોવા છતાં મહેસૂલ તંત્રએ એમને બઢતીથી દૂર રાખી અન્યાય કર્યો છે અને તેથી હવે તેઓ રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છામૃત્યુની માંગ કરી રહ્યા છે. નાયબ મામલતદાર તરીકે પોતે સિનિયર હતા છતાં તેમના જુનિયરને બઢતી આપવામાં આવી. પોતે અનુસૂચિત જાતિના હોવા છતાં  એ લાભથી વંચિત રહ્યા, થાકી હારીને આ મુદ્દે હાઈકોર્ટમાં ગયા, જ્યાં હાઈકોર્ટે એસ.સી.એ. 7618/15 તા. 13/9/17ના સાફ ફેસલો આપ્યો એક માસમાં નિર્ણય કરવા કહ્યું.  આજે એક વર્ષ બે મહિના થયા એ આદેશનું પાલન થતું નથી. રાજ્ય સરકાર, તંત્ર અને અદાલતમાં જવા છતાં નથી રોસ્ટરનો લાભ મળ્યો, નથી આદેશનું પાલન થયું, તેથી હવે નાછુટકે રાષ્ટ્રપતિ સમક્ષ અન્યાયથી જીવવા કરતાં ઈચ્છામૃત્યુની માંગ કરું છું તેવું કહેતાં શ્રી મહેશ્વરી યાદીમાં લખે છે કે કચ્છ કલેક્ટર પાસે મહેસૂલી રેકર્ડ નથી, તુમારની જેમ આડાઅવડા જવાબો અપાય છે. તેથી મારા મૃત્યુ બાદ 302 હેઠળ કેસ ચલાવી મારા હક્ક મારા પરિવારને અપાય તેવી મારી માંગ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer