ગાંધીધામમાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત

ગાંધીધામ, તા. 20 : શહેરના ગણેશનગર નજીક રોટરીનગરમાં અગાઉ દાઝી જનાર ઇશુપ્રસાદ અંશુબાબુ પિલી (ઉ.વ. 36)એ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા તો અંજારમાં અગાઉ એસિડ પી લેનાર કાંતાબેન અજિત મહેશ્વરી (ઉ.વ. 35) નામના મહિલાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. શહેરના રોટરીનગરમાં રહેનાર શ્રમિક એવો ઇશુપ્રસાદ નામનો યુવાન ગત તા. 14/11ના પોતાના ઘરે દાઝી ગયો હતો. અકસ્માતે દાઝી જનારા આ યુવાનને બચાવવા જતાં તેની પત્ની રેણુકાના હાથ પણ દાઝી ગયા હતા. આ યુવાનને પ્રથમ રામબાગ અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. બીજીબાજુ અંજાર-ભુજ માર્ગ પાસે મતિયા કોલોની વિસ્તારમાં અપમૃત્યુનો બીજો બનાવ બન્યો હતો. અહીં રહેનારા કાંતાબેન મહેશ્વરીએ પોતાના ઘરે ગત તા. 15/11ના એસિડ ગટગટાવી લીધું હતું. તેમને પ્રથમ અંજાર અને વધુ સારવાર અર્થે ભુજમાં જિલ્લા હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાએ આજે સવારે દમ તોડી દીધો હતો. આ મહિલા માનસિક અસ્થિર હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer