સામખિયાળી અને ભચાઉ રેલવે સ્ટેશને બાંકડાનું લોકાર્પણ કરાયું

સામખિયાળી અને ભચાઉ રેલવે સ્ટેશને બાંકડાનું લોકાર્પણ કરાયું
ગાંધીધામ, તા. 7 : સામખિયાળી અને ભચાઉ રેલવે સ્ટેશને પ્રવાસીઓની સુવિધા માટે `વાગડ વીશા ઓસવાળ જ્ઞાતિ'ના ધબકતા સંગઠન `ટીમ વાગડ' દ્વારા બાંકડા લોકાર્પણનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા, સામખિયાળીના સરપંચ ચનાભાઇ આહીર, રેલવે સ્ટેશનના અધિકારીઓ, ટીમ વાગડ, વાગડ વીશા ઓસવાળ સમાજના માજી પ્રમુખ લક્ષ્મીચંદ ચરલા, ઉપપ્રમુખ હિમ્મતલાલ સાવલા અને મુંબઇથી આશાપુરા મિત્રમંડળ-વાગડ કાર્યકર્તાઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સામખિયાળી અને ભચાઉ એ વાગડના મહત્ત્વનાં સ્ટેશનો છે જ્યાંથી મોટી સંખ્યામાં મુસાફરોની આવન-જાવન રહે છે. તેમ છતાં સ્ટેશન પર સુવિધાઓનો અભાવ છે. આથી મુંબઇ વસતા વાગડવાસીઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. રેલવે તંત્ર તરફથી આ બંને રેલવે સ્ટેશન પર નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે `ટીમ વાગડ' સંગઠન કાર્યરત છે. જેના ભાગરૂપે બંને સ્ટેશનો પર પ્રવાસીઓને બેસવા માટે બાંકડાઓ બેસાડવામાં આવ્યા હતા જેનું લોકાર્પણ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા અને સરપંચ ચનાભાઇના હસ્તે કરાયું હતું. ઉપરાંત બંને સ્ટેશનો પર લિફટ લગાવવા તેમજ છાપરાઓની લંબાઇ વધારવા તેમજ અન્ય સુવિધા માટે પણ ટીમ વાગડ દ્વારા રેલવે પ્રશાસન પાસે માગણી કરાઇ છે તેમજ રેલવે પ્રશાસન મંજૂરી આપે તો દાતાઓના સહયોગથી લિફટ લગાડવાનું અને તેના નિભાવ અંગેનું બીડું ઊઠાવવા તૈયારી બતાવી હતી. આ માટે ડી.આર.એમ. (અમદાવાદ) તેમજ એ.આર.એમ. (ગાંધીધામ)ને આવેદનપત્રથી રજૂઆત કરાઇ હતી. કાર્યક્રમમાં ટીમ વાગડના કન્વીનર અમરશી ગોકળ ગડા, નવીન હંસરાજ છેડા, દિલીપ દામજી શાહ, રવજી પાલણ ગડા, અમરશી ગુણશી સત્રા તેમજ પ્રકાશ નાનજી નંદુ, નેમચંદ કોરશી બૌઆ ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer