ગાંધીધામના બગીચાઓમાં ખાતર બનાવી બગીચામાં જ વાપરવા પાલિકાનું આયોજન

ગાંધીધામના બગીચાઓમાં ખાતર બનાવી  બગીચામાં જ વાપરવા પાલિકાનું આયોજન
ગાંધીધામ, તા. 7 : સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત અહીંની પાલિકા દ્વારા બગીચાઓની જમીનમાં ખાતર બનાવવા માટે ગાર્ડન કમ્પોઝ પીટ બનાવાશે. તેમાં તૈયાર થયેલું ખાતર બગીચાનાં વૃક્ષોના વિકાસ માટે વાપરવામાં આવશે.આ અંગે મળતી વિગતો મુજબ સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત પાલિકા હસ્તકના 9 જેટલા બગીચાઓમાં ગાર્ડન કમ્પોઝ પીટ બનાવવામાં આવશે, જે અંતર્ગત હાલમાં આદિપુરનો હાથી બગીચો, 3-એનો બગીચો તથા ટાગોર અને શિવાજી બગીચાને આવરી લેવામાં આવ્યા છે. આ પૈકી ટાગોર અને શિવાજી બગીચામાં ગાર્ડન કમ્પોઝ પીટ બનાવવામાં આવી છે. રૂા. 1 લાખના ખર્ચે તમામ બગીચાઓમાં આવી પીટ બનાવવામાં આવશે. બગીચાઓમાં થતો લીલા, સૂકા પાંદડાનો કચરો આ પીટમાં રાખવામાં આવશે અને એકાદ મહિના સુધી તેમાં બાયો કલ્ચર છાંટવામાં આવશે. બાદમાં તેમાંથી ખાતર તૈયાર થઇ જશે ત્યારે તેને બગીચાનાં જ વૃક્ષો, ઝાડમાં નાખવામાં આવશે તેવું પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. બગીચાઓ સિવાય પાલિકાએ અગાઉ રામલીલા મેદાન પાસે તેમજ શહેરભરમાં 50,000 જેટલાં વૃક્ષો તથા હાલમાં પૂર્વ અધ્યક્ષા ગીતાબેન ગણાત્રા દ્વારા ગુરુકુળ વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું હતું, પરંતુ દેખરેખ કે સારસંભાળના અભાવે આ તમામ વૃક્ષોનું બાળમરણ થયું હતું. ત્યારે જો આ પીટની સારસંભાળ નહીં રખાય તો આ પ્રોજેક્ટ પણ ખાતરમાં ભળી  જશે, એવું લોકો જણાવી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer