વરલીમાં યોજાયેલા કેમ્પમાં 309 દર્દીને નિદાન સારવારનો લાભ અપાયો

વરલીમાં યોજાયેલા કેમ્પમાં 309 દર્દીને નિદાન સારવારનો લાભ અપાયો
માધાપર (તા. ભુજ), તા. 7 : માધાપર તબીબી મંડળ દ્વારા વરલી ગામે ફ્રી નિદાન સારવાર કેમ્પમાં 309 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.દીપ પ્રાગટય સરપંચ બાબુભાઇ આર. મકવાણા, ગામના અગ્રણી પાંચુભાભાઇ જાડેજા તથા માધાપર તબીબી મંડળના પ્રમુખ ડોકટર વનરાજભાઇ કોટકના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 309 દર્દીઓની તપાસ કરીને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી. સારવારની તમામ દવાઓનો ખર્ચ માધાપરના અને હાલે ટાન્ઝાનિયા નિવાસી ગિરધરભાઇ મેઘજીભાઇ પિંડોરિયા તરફથી અપાયો હતો.ભુજના સ્પેશિયાલિસ્ટ ડો.ની ટીમમાં ડોકટર જગદીશભાઇ હાલાઇ તથા ડોકટર દીપકભાઇ બલદાણિયા-આહીર બંને હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને અન્ય બીમારીના વિશેષ જાણકાર હોવાથી તેઓએ 40 દર્દીઓની તપાસ કરી સારવાર આપી હતી. 67 દર્દીઓના ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી અને 18 દર્દીઓના કાર્ડિયોગ્રામ કરવામાં આવ્યા હતા. માધાપર તબીબી મંડળના ડોકટર બી.ઓ. ચૌહાણ, ડોકટર ભારતીબેન સોની, ડો. નીલેશભાઇ સોની, ડો. જિતેન્દ્રભાઇ ભાનુશાલી, ડો. રાકેશભાઇ ઠક્કર, ડોકટર દિનેશભાઇ મકવાણા, ડોકટર જિગરભાઇ ગોર અને દાંતના સર્જન ડોકટર જનક વાણિયાએ સેવાઓ આપી હતી.વરલી ગામના ઉપસરપંચ ઘેલાભાઇ બી. ખટારિયા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકે વાલાભાઇ કે. મકવાણા, પ્રાથમિક શાળાના શિક્ષિકા ઝાલા દક્ષાબેન બી., સોલંકી અસ્મિતાબેન જી., બાબરીયા કોમલબેન આર. અને બાબરિયા ડાઇબેન એચ. વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.દવા વિતરણની કામગીરી તારા મેડિકલ એજન્સીવાળા હિમાંશુભાઇ ઠક્કર તથા માધાપરના કમલેશભાઇની ટીમે સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer