ટીમને જીત અને લોકોને ખુશી મળે તે માટે રમીએ છીએ : રોહિત શર્મા

લખનૌ, તા. 7 : વેસ્ટ ઇન્ડિઝ સામેની 71 રનની જીત બાદ ભારતીય ટીમના સુકાની અને મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ જણાવ્યું હતું કે આ સ્ટેડિયમમાં બહુ મેચ રમાઈ નથી. આથી અમે થોડી રાહ જોયા બાદ ફટકાબાજી કરવાનું નકકી કર્યું હતું. પિચને જાણવી જરૂરી હતી. મને જયારે પણ મોકો મળે છે ત્યારે હું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરું છું. આ મેચમાં અમારા માટે સાચું પ્લેટફોર્મ તૈયાર થયું હતું. જે પણ મેચ જોવા આવ્યા હશે તેઓ હસતા હસતા ઘરે પરત ફર્યાં હશે. અમે આ માટે તો ક્રિકેટ રમીએ છીએ. હું ખુશ છું કે અમે મેચ જીતવાની સાથોસાથ શ્રેણી પણ જીતી લીધી. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે રોહિત શર્માએ 8 ચોગ્ગા અને 7 છગ્ગાથી અણનમ 111 રન કર્યાં હતા. આ સાથે તે ટી-20 ફોર્મેટમાં ચાર સદી કરનારો પહેલો બેટધર બની ગયો છે. શિખર ધવનની ધીમી બેટિંગનો બચાર કરતા સુકાનીએ કહ્યું કે તેનો પ્રયાસ વિરોધી ટીમ પર દબાણ બનાવવાનો હોય છે. તેણે શરૂઆતમાં નવી વિકેટ પર સેટ થવા ધીમી બેટિંગ કરી. આથી મોટી ભાગીદારી બની શકી. મારા મતે પહેલી વિકેટની 120 રન આસપાસની ભાગીદારી મહત્ત્વની રહી.  બુમરાહ વિશે સુકાની રોહિત શર્માએ જણાવ્યું કે તે ટી-20નો શ્રેષ્ઠ બોલર છે. આથી અમે તેનો અલગ રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. જ્યારે યુવા ખલીલ નવા દડાનો અલગ પ્રકારનો બોલર છે. તે બોલને સ્વિંગ કરવાનો પ્રયાસ વધુ કરે છે. તેને પડકાર પસંદ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer