અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો

નવી દિલ્હી / વોશિંગ્ટન, તા. 7 :  અમેરિકામાં થયેલી મધ્યસત્રીય ચૂંટણીનાં પરિણામોએ સમીકરણ બદલી નાખ્યા છે, અને તેને ટ્રમ્પ વિરુદ્ધના જનમત તરીકે માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટીની બહુમતી બંને ગૃહોમાં છે ખરી, પરંતુ નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવમાં ડેમોક્રેટ્સ હવે બહુમતીમાં આવી ગયા છે. ઉપલા ગૃહ સેનેટમાં રિપબ્લિકનની બહુમતી જળવાયેલી રહી છે. આનાથી ટ્રમ્પની મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ચૂંટણીમાં રશિયાની દખલની તપાસ આગળ વધી શકે છે તેમ જ ટ્રમ્પ સામે મહાભિયોગ (ઈમ્પિચમેન્ટ)ની કાર્યવાહી ચલાવવાનીય નોબત આવી શકે છે.  આ પરિણામોમાં ડેમોક્રેટ્સે મહત્ત્વપૂર્ણ ગવર્નરપદો મેળવ્યાં છે, કારણ કે લિબરલ્સ અને મોડરેટ્સે ટ્રમ્પને મતદારોનો `ઠપકો' મળે તે મકસદથી જોડાણ કર્યુ હતું. આ પરિણામોથી ડેમોક્રેટ્સને પોરસ ચઢ્યો છે, અને 2020ની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવી દેવાનો દાવો કરતા થયા છે, બલકે પૂર્વ ઉપપ્રમુખ જો બિડેન ટ્રમ્પ સામે પ્રમુખપદના ઉમેદવાર બનશે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના બે વર્ષ બાદ રિપબ્લિકન પાર્ટીએ પહેલી વાર આવી હારનો સામનો કરવાનો આવ્યો છે. 2016માં તેઓ ચૂંટાઈ આવ્યા ત્યારે ટ્રમ્પ બંને ગૃહોમાં બહુમતી ધરાવતા હોઈ, કોઈપણ કાનૂનને પસાર કરવામાં તેમને કોઈ રોકે તેમ ન હતું. હવે ડેમોક્રેટસ એવા કાનૂનને રોકી શકવાની સ્થિતિમાં આવી ગયા છે. એક સમયે રિપબ્લિકન સત્તાના ગઢ સમા સબઅર્બન અને મેટ્રોપોલિટન ડિસ્ટ્રીક્ટ્સમાં મળેલા સમર્થનના જોરે, હાઉસમાં ઓછામાં ઓછી 2પ બેઠકો મેળવી શકયાનો ડેમોક્રેટ્સોએ દાવો કર્યો છે. સબર્બન અને મેટ્રોપોલિટન ડિસ્ટ્રિકટ્સમાંના મતદારો ટ્રમ્પની જાતિવાદી ઉશ્કેરણીભરી વલણથી ઘૃણિત થયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer