`બહાદુર જવાનો અજવાસનું પ્રતીક''

હર્ષિલ (ઉત્તરાખંડ), તા. 7 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે  ઉત્તરાખંડના હર્ષિલમાં સેના અને આઇટીબીપીના જવાનો સાથે પ્રકાશ પર્વ દિવાળીની ઉજવણી કરતાં જણાવ્યું હતું કે, સવાસો કરોડ ભારતીયોના મનમાં સુરક્ષાના ભાવનો અજવાસ પાથરતા જવાનો દિવાળીના દીવડા સમાન છે. ભારત દેશના બહાદુર સૈનિકો અંધકારમાં અજવાસનું પ્રતીક છે, તેવી લાગણી કેદારનાથમાં પૂજા-અર્ચના અને પછી જવાનોને મીઠાઇથી મીઠું મોં કરાવીને વડાપ્રધાને  વ્યકત કરી હતી. હું જાંબાઝ જવાનોના ગુરુજનો અને માતા-પિતાને પ્રણામ કરું છું, જેમણે સૈનિકોને દેશ માટે જીવવાની પ્રેરણા આપી તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે, સંગઠન માટે કામ કરતો હતો, ત્યારે હિમાચલ મારું કાર્યક્ષેત્ર હતું. મેં 40 વર્ષ પહેલાં દરેક જવાન પાસેથી  વન રેન્ક વન પેન્શનની વાત સાંભળી હતી. ઓઆરઓપીના મુદ્દાની સંવેદનશીલતાને હું સમજ્યો હતો. એટલે જ વડાપ્રધાન બન્યા પછી મેં તેના પર ગંભીરતાથી વિચાર કર્યો તેવું તેમણે જવાનો સાથે દિવાળી ઉજવતાં ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગંગા નદીના કાંઠે વસેલા હર્ષિલ ક્ષેત્રના નાનકડા ભૂ ભાગમાં નદી નાળા અને જળ પ્રપાતોની ભરમાર છે. આ સ્થળ પ્રવાસી સમુદાયમાં ભારે લોકપ્રિય છે. બાબા કેદારના દર્શન જળાભિષેક અને પૂજા-અર્ચના કરનાર વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે કેદાર ખીણમાં મોટી સંખ્યામાં જનસમુદાય પહોંચ્યો હતો. સૈન્ય વડા જનરલ બિપિન રાવત પણ વડાપ્રધાનની સાથે રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer