અમદાવાદનું નામ કર્ણાવતી રખાશે

અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે સાંજે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા થયાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ સમયે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે વાતચીત કરતાં પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો હતો કે, કર્ણાવતી નામનું શું છે? જેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાનું વિચારી શકાય. નાયબ મુખ્યપ્રધાને એમ પણ કહ્યું હતું કે, લોકોની લાગણી છે કે અમદાવાદનું નામ કર્ણાવતી હોવું જોઇએ, પરંતુ કાયદીય અને વહીવટી ગૂંચોને કારણે આ શક્ય બની શક્યું નથી. બીજી વાત એ છે કે કોઇપણ શહેરનું નામ બદલવાની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા અપાતી હોય છે. રાષ્ટ્રપતિ સુધી મંજૂરી લેવી પડતી હોય છે.  અગાઉ પણ નામ બદલવા માટેના પ્રયાસો કરાયા હતા. સરકારની પણ મર્યાદાઓ હોય છે.  ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કેન્દ્રમાં વાજપેયી સરકાર બની ત્યારે ગુજરાત સરકારે નામ બદલવાની દરખાસ્ત મોકલી હતી, પરંતુ એ સમયના ગૃહપ્રધાન એલ.કે. અડવાણીએ આ દરખાસ્ત પરત મોકલી હતી. ત્યારબાદ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, આમ છતાં લોકોની લાગણીને ધ્યાનમાં લઇને અમદાવાદનું નામ કર્ણાવતી નથી કરાયું. મહત્ત્વનું છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની હાલ કોઇ દરખાસ્ત ગુજરાત સરકારે કરી નથી. આમ છતાં પણ ભાજપના નેતાઓ હજુ પણ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા અંગેનું વારંવાર ગાણું ગાય છે અને નાગરિકોને નામ બદલવા અંગે કોણીએ ગોળ ચોટાડી રહ્યા છે. દરમિયાન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ માટે કોર્પોરેશન હોય કે રાજ્યની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય, કર્ણાવતી, કલમ 370 કે રામમંદિરનો મુદ્દો ઉછાળવામાં આવે છે. આજે કોર્પોરેશન, રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન હોવા છતાં માત્ર આવી ચૂંટણીલક્ષી વાત ઉછાળીને કરોડો હિન્દુઓની શ્રદ્ધા પર કુઠારાઘાત કરવામાં આવી રહ્યો છે. સાડા ચાર વર્ષ નાથુરામ કરવાનું અને ચૂંટણી આવે એટલે કર્ણાવતી, કલમ 370 અને રામમંદિરની વાત કરવાની. ભાજપની આ સમજી-વિચારેલી ચાલ છે. ભાજપ મતની રાજનીતિ માટે કરોડો હિન્દુઓ સાથેની છેતરપિંડી બંધ કરે એમ પણ આક્રોશપૂર્વક ડો. દેશીએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer