ગાંધીધામમાં 1.90 લાખનો હાથફેરો કરી તસ્કરોએ કરી દિવાળીની ઉજવણી

ગાંધીધામ, તા. 7 : શહેરના મધ્યમવર્ગીય એવા ભારતનગર નજીક વોર્ડ-9-બીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તેમાંથી રૂા. 1,90,000ના દાગીનાની ચોરી કરીને પોતાની દિવાળી સુધારી હતી. તો મકાનમાલિકની દિવાળી બગાડી નાખી હતી. શહેરની શિપિંગ કંપનીમાં મેનેજર  તરીકે કામ કરતા અને ભારતનગર વોર્ડ 9-બીની એ.કે.જી. સોસાયટીના પ્લોટ નંબર 94માં રહેતા રવિ જગવાણીના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ યુવાન પોતાના પરિવાર સાથે ત્રણેક દિવસ અગાઉ સિંગાપોર ફરવા ગયો હતો. દરમ્યાન ગત તા. 4-11થી 6-11ના ગાળામાં તફડંચીકારોએ તેમના બંધ મકાનમાં ખાતર પાડયું હતું. તેમના પાડોશીઓને ચોરીના બનાવની જાણ થતાં તેમણે રવિ જગવાણીને ફોન કરી જાણ કરી  હતી. દરમ્યાન આ મેનેજરે પોતાની કંપનીમાં કામ કરતા કર્મીને સૂચના આપતાં મનીષ કિરીટ પાઉએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમના બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર રહેલા કબાટની તિજોરીમાંથી સોનાની ચાર બંગડી, સોનાનું મંગળસૂત્ર, સોનાની ત્રણ વીંટી એમ 65 ગ્રામ સોનું કિંમત રૂા. 1,90,000ના દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા. શહેરના ગરુકુળ વિસ્તારમાં ધાડ સાથે લૂંટના બનાવમાં પોલીસ હજુ ફીફાં ખાંડે છે તેવામાં ભારતનગર જેવા વિસ્તારમાં તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપીને પોલીસને જોરદાર આંચકો આપ્યો હતો. તસ્કરો અને લૂંટારુઓનો ઘોડો આગળ જ દોડી રહ્યો છે, હજુ આદિપુરની સનસનીખેજ રૂા. 34 લાખની લૂંટના પ્રકરણમાં પણ કાંઇ બહાર આવ્યું નથી, ત્યારે હમે રોક શકો તો રોક લોનો પડકાર તસ્કરો અને લૂંટારુઓએ પોલીસને આપ્યો હોય તેવું જણાઇ રહ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer