યુનિ.માં નવા ભવન માટે દસ કરોડ મંજૂર

ભુજ, તા. 7 : તાજેતરના વર્ષોમાં એક પછી એક માળખાંકીય વિકાસકામો સંપન્ન કરનાર કચ્છ યુનિવર્સિટીને દિવાળીના દિવસોમાં જ ભેટ આપતી એક જાહેરાત થઇ છે. ગુજરાત સરકારના શિક્ષણ તંત્રે હવે  યુનિવર્સિટીના વિકાસમાં એક વધુ કડી જોડતાં નવું ભવન મંજૂર કર્યું છે. જે માટે દસ કરોડ રૂા.ને બહાલી આપવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજાએ આ સંબંધે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, યુનિ.ના વિકાસ સાથે તેનું કામ પણ વિસ્તૃત બની રહ્યું છે. વિદ્યાર્થીઓની વધતી સંખ્યાથી પરીક્ષા સંબંધી કામગીરી વ્યાપક બની છે. વિવિધ વિદ્યાર્થી હિતના સેલ કાર્યરત છે, ત્યારે વધુ એક ભવનને સરકારે મંજૂરી આપી છે. આ ભવન માટે રૂા. 10 કરોડની રકમ સરકારે મંજૂરી કરી હોવાનું કહેતાં ડો. જાડેજાએ ઉમેર્યું કે, આ નવું ભવન પરીક્ષા ભવન રહેશે, પરંતુ તેમાં માત્ર પરીક્ષા સંબંધી કામગીરી નહીં, આંબેડકર ઓપન યુનિ.નું કેન્દ્ર તથા ઇત્તર પરીક્ષા સંબંધી કાર્યના વિભાગો હશે. એક વિભાગ કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેલનો પણ આ ભવનમાં સમાવિષ્ટ થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer