કોંગ્રેસનો દાવો, ધારાસભ્યનાં ધરણા થકી ઘાસ રેક આવી

ભુજ, તા. 7 : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં વરસાદ ન પડવાથી અછતની વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે, ત્યારે કચ્છનાં પશુધનને બચાવવા જિલ્લા કોંગ્રેસ સતત કેટલાક સમયથી તંત્રને લોકોનો અવાજ પહોંચાડતી આવી છે. રજૂઆતને પગલે મુખ્યમંત્રી અછત જાહેર કરી અને ત્યારબાદ એક મહિનાથી ઘાસનો જથ્થો આવ્યો ન હોવાથી કોંગ્રેસના ધારાસભ્યને ધરણા કરવા પડયા હતા. તંત્રની નીરસતાને સતત જાગતી રાખતા 20 લાખ પશુધનની સામે માત્ર 4.50 લાખ કિલો ઘાસ રેક ટ્રેન મારફતે આવ્યું તેને કોંગ્રેસ આવકારે છે. પરંતુ હજુ આ જથ્થો અપૂરતો છે. આવી જ રેક સતત ચાલુ રહે તેવી માંગ કરી હતી ને હજુ પણ પાણીની સમસ્યાથી કચ્છ જિલ્લાનાં ગામડાઓ પીડાઇ રહ્યાં છે. તેનું તાત્કાલિક નિરાકરણ  કરવામાં આવે તેવી તંત્ર પાસે અમારી માંગ છે, એમ તેમણે જણાવ્યું હતું. અછત બાબતે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહેલા ભાજપ સાંસદ અને ધારાસભ્ય ઘાસચારા મુદ્દે ફોટો સેશન્સની તસ્દી ન  લે તેવી ટકોર કરવામાં આવે છે. વિશેષમાં જણાવતાં આ ઘાસના જથ્થાથી થોડીઘણી રાહત માત્ર કચ્છના કલેકટરને કદાચ થઇ હશે, પરંતુ સરકાર હજુ અછત બાબતે ગંભીર નથી. જેથી કોંગ્રેસ આ મુદ્દે સરકાર પાસે વિકટ પરિસ્થિતિ ધ્યાનમાં લેવા રજૂઆત કરતી રહેશે, એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer