અંજારના સર્કલમાં ગાંધીજી તો દેખાશે પણ વાહનચાલકોને માર્ગ પરના લોકો દેખાશે ?

અંજાર, તા. 7 : અહીંના ગાંધી સર્કલમાં આઠ-આઠ ફૂટ ઊંચી દીવાલો બની છે ત્યારે પ્રતિમાની પીઠિકા પણ બે-ત્રણ ફૂટ ઊંચી બનાવાશે એવું અનુમાન વ્યક્ત કરતાં અગ્રણી બાલુભાઇ ઠક્કર સવાલ ઉઠાવે છે કે, ગાંધીજી તો દેખાશે પણ વાહનચાલકોને સામેના માર્ગ પરના વાહન, લોકો કે બાળકો દેખાશે. તેમણે સૂચન કર્યું હતું કે,  લોકોના જાનમાલની રક્ષા થાય એવા નાના- નીચા સર્કલો બને તેવું આયોજન વિચારો. 1956ના ધરતીકંપ પછી '58માં નવું અંજાર બન્યું. 1960માં વિનોબાજીના  હસ્તે ગાંધી પ્રતિમાના અનાવરણથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જે ગાંધીની પહેલી પ્રતિમાની અંજારમાં સ્થાપના થઇ, જેને 58 વર્ષ થયા. ત્યાર બાદ ટાઉનહોલના દ્વાર પાસે 1962માં વલ્લભભાઇની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી. બંને પ્રતિમા યથાવત-મોજૂદ છે. વિશાળ ગાંધી સર્કલનું 2003માં નવનિર્માણ થયું. બાદમાં હાલે નવીનીકરણકાર્ય ચાલુ છે.  હાલના નવીનીકરણ પામેલા એસ.ટી. સ્ટેશન પાસે જૂના નાના સર્કલની જગ્યાએ નવું મોટું સર્કલ બન્યું છે. તેવી જ રીતે  નયા અંજાર ગેટ-ટાવર પાસે  પણ વિશાળ દીનદયાળ સર્કલ છે. જૂનું સર્કલ માત્ર 25/30 ફૂટની ગોલાઇમાં બન્યું હતું. હવે મોટા 150/200 ફૂટના બને છે. જે સગવડને બદલે અગવડ  ઊભી કરે છે. સવાસર નાકે વિશાળ સ્વામિનારાયણ સર્કલ પણ યોગ્ય જણાતું નથી,  ત્યાં નિષ્ણાત વાહનચાલક પણ મોટા વાહનને ચકરાવો લઇ ન શકે, એસ.ટી. બસો પણ રોંગ સાઇડ જ ચલાવવા ફરજ પડે છે. આથી સર્કલ નાના હોય તો સારું તેવું શ્રી ઠક્કરે ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer