લાકડિયા પાંજરાપોળને નવ કરોડનું દાન

મનસુખ ઠક્કર દ્વારા  ભચાઉ, તા. 7 : આ વર્ષે વરસાદ ખેંચાતાં પશુઓની હાલત કફોડી બનતાં આ વિસ્તારમાં ચાલતા પાંજરાપોળો પર આર્થિક સંકટ વધ્યું છે ત્યારે આ પરિસ્થિતિમાં પશુઓને ભૂખે મરવા નહીં દેવાય તેવા ભાવ સાથે લાકડિયા પાંજરાપોળ માટે મુંબઇ ખાતે સંસ્થાના અગ્રણીઓએ ફરીને રૂા. 9 કરોડનું જંગી દાન એકત્ર કરી પશુપ્રેમ જીવદયાનું સૂત્ર સાર્થક કર્યું છે. જૈન ધર્મના સાધુ ભગવંતો સાધ્વીજીની પ્રેરણાને બળે જીવદયાપ્રેમી ઓસવાળોએ લાકડિયા પાંજરાપોળ માટે ઉદાર હાથે ઝોળીને છલકાવી દેતાં 1 વર્ષ સુધી અછતમાં પશુઓને સાચવવા ઉપયોગી બની રહેશે. સંસ્થાના અગ્રણી દેવશીભાઇ દેવરાજભાઇ ગડાના જણાવ્યા મુજબ 100 વર્ષ જૂની  વીશા ઓસવાળ સમાજ સંચાલિત લાકડિયાની પાંજરાપોળોમાં હાલે 700 પશુ છે. જેની પાછળ દરરોજનો ખર્ચ રૂા. 2 લાખ જેટલો છે. આમ મુશ્કેલીને પહોંચી વળવા મુંબઇ ખાતે નિર્ણય લેવાતાં વાગડના ઓસવાળો ત્યાંના કચ્છી મારવાડી વેપારીઓએ પણ ઉદાર હાથે ફંડ આપીને અમારો હોંસલો વધાર્યે છે. રૂા. પાંચ લાખ અને રૂા. 3 લાખનું અનુદાન આપનાર 300 જેટલા દાતાઓનું સન્માન બહુમાન કરવા અને પાંજરાપોળની જાતમાહિતી આપવાના સન્મુખાનંદ હોલમાં તાજેતરમાં યોજાયેલા સંગીત  કાર્યક્રમમાં ચાલુ દિવસે પણ વાગડવાસી ઊમટી પડયા હતા. આ માટે કાર્યક્રમનો રૂા. 15 લાખનો ખર્ચ પણ દેવશીભાઇએ આપીને જીવદયાની પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. મુંબઇ ફંડ એકત્ર કરવા 1 માસ સુધી સવારે 9થી રાત્રે 11 સુધી સંસ્થાના કાર્યકરો આખા મુંબઇમાં ફરી વળ્યા હતા, કોઇએ દાન માટે ના નથી પાડી. ભવ્ય મેળાવડા અને સંગીત કાર્યક્રમમાં દાતાના સન્માન બદલ હોટલમાં તાળીઓથી વધાવાયા હતા.લોકો ન છૂટકે પાંજરાપોળમાં ઢોર મૂકી જાય છે. જો તે મામલતદાર પાસેથી દાખલો લે તો સંસ્થાને રૂા. 25ની સરકારી સહાય મળે પણ પશુ મૂકવા આવનાર એમ નથી કરતા. તમે નહીં લ્યો તો અમે રસ્તામાં મૂકી દેશું તેમ કહે છે, જેથી ન છૂટકે અમારે રાખવા પડે છે. આ કાર્યમાં રામજી ડાહ્યા ગડા, શાંતિલાલ વિરમ રીટા, વેલજી અખેરાજ બુરીચા વિ.એ જહેમત લીધી હતી. ધનજી ગેલાભાઇ ગાલાએ પણ સહયોગ આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer