પ્રાથમિક શિક્ષણ ખાડે ન જાય તો જ નવાઈ

ભુજ, તા. 7 : ગુજરાત રાજ્યમાં સરકારી ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા છાત્રો નબળા ન રહી જાય તો જ નવાઈની વાત કહેવાય તેવી વિગતો સરકાર દ્વારા શિક્ષકોને સોંપાતી ઈત્તર પ્રવૃત્તિઓ પર નજર ઠેરવતાં નજરે પડે છે. જુઓ વર્ષના 365 દિવસમાંથી 35 દિવસ ઉનાળુ વેકેશનની અને 21 દિવસ દિવાળી વેકેશનની રજા ત્યારબાદ બાદ કરો જાહેર રજા અને રવિવાર 84, બાકી વધે માત્ર 230 દિવસ. રાઈટ ટુ એજ્યુકેશનની કાર્યવાહી ઉપરાંત 60થી વધારે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં શિક્ષકોને જોતરાય, પછી ભણાવવાનો સમય ક્યાંથી મળે ? એટલે જ ધો. 1થી 8ના છાત્રોને વર્ષભર ગેરહાજર રહે તો પણ પાસ કરવાના. બોલો સરકાર ફરજિયાત પાસ ન કરે તો કેટલા પાસ થાય અને પાસ થાય તો પણ કેટલા ગુણની ગુણવત્તાવાળા તેની પોલ ખુલ્લી પડી જાય. ગુજરાતના ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રોનું અંગ્રેજી કાચું રહેતું હોવાથી આમ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં દેખાવ નબળો રહેતો હોય છે. તેમાં આવી નીતિ `ગુજરાતના ભાવિનું ઘડતર' કેવું કરશે તે બાબતે સુજ્ઞ શુભચિંતકો ચિંતિત છે. `સોટી વાગે સમસમ વિદ્યા આવે રમઝમ' કહેવતને યાદ કરનારા મોઢે હિસાબ કરી શકે છે જ્યારે આ કહેવતને અત્યાચારમાં ખપાવ્યા બાદ `માસ્તરને મારવાની મનાઈ કરાઈ' ત્યાર પછીનું ભણતર ભણનારાનું ગણતર જુઓ હિસાબ માટે કેલ્ક્યુલેટર અને હવે મોબાઈલમાં. વર્ષ 2018-19ના માત્ર પ્રથમ સત્રથી જ પ્રાથમિક શિક્ષણમાં અડચણરૂપ કામગીરીની યાદી પર નજર કરીએ તો બી.એલ.ઓ.ને વર્ષ દરમ્યાન ગમે ત્યારે મામલતદાર કચેરી દ્વારા વર્ષના અંદાજિત (70 દિવસ)ની કામગીરી શાળા સમય બાદ કરવાની હોય છે પરંતુ મિટિંગો, તાલીમો, મટીરિયલ લેવા, સોંપવા શાળા સમય દરમ્યાન જ જવું પડે છે. તમામ કેડરના કર્મચારીને આ કામ સોંપવાનું થાય છે. પરંતુ મોટેભાગે પ્રાથમિક શિક્ષકોને આ કામ સોંપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં મહિલા આચાર્યને આ કામગીરી સોંપાય છે, જે જરાય વાજબી નથી. બી.એલ.ઓ. સુપરવાઈઝરને વર્ષ દરમ્યાન ગમે ત્યારે મામલતદાર કચેરી વર્ષના અંદાજિત (70 દિવસ) વર્ગ-2ના કર્મચારીને સોંપવાની કામગીરી નિયમનો ભંગ કરી કેટલાક જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવે છે. મતદાતા જાગૃતિ માટે ચૂંટણી સમયે 1 દિવસ સ્પર્ધાઓ, ઉજવણી, ક્વીઝ યોજવાના, ધો. 10/12 પરીક્ષા સુપરવિઝન વર્ષમાં 1 વખત જિલ્લા પ્રા.અ., તા. પ્રા.અ. ગમે તે શિક્ષકોને રોકે, બાળકોના નવા આધાર કાર્ડ કઢાવવા અને અપડેટ કરવા એક પણ બાળક આધાર કાર્ડ વિનાનું ન રહેવું જોઈએ અને તમામ બાળકોના કાર્ડ અપડેટ થઈ જવા જોઈએ તેવી સૂચના સાથેની કામગીરી પાંચ દિવસ. વર્ષ દરમ્યાન ગમે ત્યારે જિ. પ્રા. શિ.અ. અને કલેક્ટરની સૂચના મુજબ 5 દિવસો દરમ્યાન કામ કરવાનું જેથી એક પણ બાળક બેંક ખાતા વિના રહેવું ના જોઈએ. શિષ્યવૃત્તિ ઓનલાઈન કરવી સમાજ કલ્યાણ અધિકારીની સૂચનાઓ મળ્યા બાદ સર્વરની એરર અને સાઈટ બંધ હોય (કામગીરી 7 દિવસ), આધાર ડાયસ 5 દિવસો, એમ.ડી.એમ. રોજેરોજની 10 મિનિટ અને સંખ્યામાં વધારો ઘટાડો થાય ત્યારે સુધારો. ટ્રાન્સપોર્ટેશન 4 દિવસથી ઓનલાઈન એન્ટ્રી અને ડ્રાઈવર અને સ્ટુડન્ટ મેનેજ કરવા અને રોજ ચેક કરવાનું, મિશન વિદ્યા 4 દિવસ (4 વખત એન્ટ્રી), કોમ્પ્યુટર લેબ અને ઈન્ટરનેટ સ્થિતિ સર્વે ઓનલાઈન 30 મિનિટ, શાળા પ્રવેશોત્સવ જૂનની શરૂઆતમાં 3 દિવસ મિટિંગમાં જવું, પ્રવેશોત્સ્વની તૈયારી કરવી, પ્રવેશોત્સવના દિવસની કામગીરી, અહેવાલ, ફોટો, વીડિયો, બી.આર.સી. ખાતે તાલીમ-શિક્ષક સજ્જતા તાલીમ 3થી 4 દિવસ, સી.આર.સી. મિટિંગ, પે.સે. શાળા ખાતે મિટિંગ અને 5 વખત (2 કલાક) (દર માસે એક અંદાજિત), એમ.એમ.સી. બેઠક દર બે માસે (સર્વ શિક્ષા અભિયાન) 3 દિવસ, ઓડિટ વર્ષમાં એક વખત (સર્વ શિક્ષા અભિયાનમાં 2 દિવસ) વાલી સંમેલન 3 દિવસ, આંતરરાષ્ટ્રીય વન દિવસ (21મી માર્ચ) 2 કલાક, ટ્રાન્સપોર્ટેશન દરખાસ્ત (3 દિવસ), તમામ બાળકોની પ્રોફાઈલ ફોટો સહિત તૈયાર કરવી, ઈકો ક્લબની વર્ષ દરમ્યાન પ્રવૃત્તિઓ કરવાની, બાળમેળો તાલીમ 2 દિવસ, વિશ્વ યોગ દિવસ ઉજવણી 2 દિવસ, ઓરી અને રૂબેલા તાલીમ અને રસીકરણ 1 દિવસ, ધો. 9 પ્રવેશ બાળકોની માહિતી 1 દિવસ, શાળા બહારના બાળકોનો સર્વે 1 દિવસ, શાળા કોર્સ ઓનલાઈન સોફ્ટવેર તાલીમ 1 દિવસ, મુખ્ય શિક્ષક વ્યવસાયિક અને વહીવટી સજ્જતા તાલીમ 2 દિવસ, સોશિયલ ઓડિટ 2 દિવસથી ફોર્મ ભરવાના, ઓરી અને રૂબેલા સેટકોમ 1 દિવસ સેટકોમ કાર્યક્રમ સવારે 11.00થી, કલા મહાકુંભ-2018 2 દિવસ, મિશન વિદ્યા ઉપચારાત્મક શિક્ષણ અભિયાન 35 દિવસ, મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી 15 દિવસ, મિશન વિદ્યા એન્ટ્રી 3 દિવસ, પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ ઓનલાઈન એન્ટ્રી 2 દિવસ, સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 15 દિવસ, પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ તાલીમ, શિક્ષકદિન એક-એક દિવસ, સ્વચ્છતા પખવાડિયા 15 દિવસ, ટીમ ટીમ તારલા 30 મિનિટ એમ 48 દિવસ, મીનાની દુનિયા દર શુક્રવારે 53 એપિસોડની 15 મિનિટ પ્રસારણ નિહાળવાનું, મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણી 11 દિવસ, રાષ્ટ્રીય પોષણ અભિયાન, સ્વચ્છતા એ જ સેવા એક દિવસ, 1 દિવસ વડાપ્રધાનનું જીવંત પ્રસારણ નિહાળવાનું, ખેલ મહાકુંભ 5 દિવસ, કલા ઉત્સવ 2થી 3 દિવસ, જવાહર નવોદય પરીક્ષા ઓનલાઈન ફોર્મ 1 દિવસ, એમ.એમ.સી. ટેલિ. બપોરે 1થી 3 પ્રસારણ નિહાળવાનું, એકતા યાત્રા 1 દિવસ, પ્રથમ સત્ર પરીક્ષા ઓનલાઈન એન્ટ્રી 12 દિવસ, પ્રથમ સત્ર પરીક્ષા 25 ટકા તપાસણી 12 દિવસ, પ્રથમ સત્ર પરીક્ષા અન્ય શાળામાં સુપરવિઝન જવું 4 દિવસ, રાષ્ટ્રીય એકતા દિવસ 1 દિવસ અને રન ફોર યુનિટી 1 દિવસ વગેરે કાર્ય કરવાના. આવી કામગીરી માટે જિલ્લા કલેક્ટર, મામલતદાર, શિક્ષણાધિકારી કચેરી, સર્વ શિક્ષા અભિયાન, રાજ્ય પરીક્ષા બોર્ડ વગેરે કચેરીની સૂચના મુજબ કામગીરી નિભાવવાની રહેતી હોય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer