માધાપર ફટાકડા બજારમાં પોલીસની કાર્યવાહીમાં ત્રણ વિક્રેતાની ધરપકડ

ભુજ, તા. 7 : તાલુકાના માધાપર ગામે ફટાકડા બજારમાં ગઇકાલે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મોડેથી જુદાજુદા ત્રણ ગુના દાખલ કરાયા હતા અને નિયમોનો ભંગ કરવા બદલ ગેરકાયદે વેચાતા ફટાકડા જપ્ત કરવા સહિતની કાર્યવાહી કરાઇ હતી. પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ માધાપર ગામે ગાયત્રી મંદિર પાસે બે જગ્યાએ કાર્યવાહી કરાઇ હતી, જેમાં માધાપરના અક્ષય મહેશભાઇ સોમૈયા સામે ગેરકાયદે ફટાકડા વેચવા બદલ ગુનો દાખલ કરાયો હતો. તેની પાસેથી રૂા. 25540ના ફટાકડા કબ્જે કરાયા હતા, જ્યારે આ જ સ્થળે માધાપરના રમેશ મોહનલાલ સુથાર સામે ગેરકાયદે ફટાકડા વેચવા બદલ ગુનો દાખલ કરી તેની પાસેથી રૂા. 3700ના ફટાકડા કબ્જે કરાયા હતા. જ્યારે માધાપર ગામે બસ સ્ટેન્ડ નજીક જલારામ આલુ ભંડાર નામની દુકાન પાસે લાયસંસ કે પરવાના વગર ગેરકાયદે ફટાકડા વેચતા સજાદઅલી શબ્બીરઅલી ખલિફા સામે ગુનો દાખલ કરી તેની પાસેથી રૂા. 8017નો જથ્થો કબ્જે કરાયો હતો.પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે,  આ ત્રણેય વિક્રેતાની ધરપકડ કરાઇ હતી. તેમની સામે ફટાકડાના વેચાણ અંતર્ગત રાખવાની થતી તકેદારીઓ ન રાખવાનો પણ આરોપ મુકાયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer