ગાંધીધામ સુધી ગેસ ગળતરની અસર

ગાંધીધામ સુધી ગેસ ગળતરની અસર
ગાંધીધામ, તા. 15 : આજે વહેલી સવારના અરસામાં કંડલા તેમજ તેની આસપાસના વિસ્તારમાં ગેસ લીકેજની ઘટનાના પગલે 400 જેટલા લોકોને અસર થઈ હતી. સદનસીબે વધુ સમય સુધી અસર ન રહેતાં ગંભીર બીના ટળી હતી. જો કે, ગેસ લીકેજ કયાં થયું તેનો તાગ જવાબદાર તંત્રો મોડી સાંજ સુધી શોધી શકયા નથી. આ બનાવના પગલે લોકોમાં ભયની લાગણી પ્રસરી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના 7 વાગ્યના અરસામાં સૌપ્રથમ ગાંધીધામ રેલવેના યાર્ડ, આર.ઓ.એચ. ડીપો રેલવે સ્ટેશન અને રેલવે કોલોની વિસ્તારમાં લોકોને આંખમાં તીવ્ર બળતરાની સમસ્યા સર્જાઈ હતી. રેલવેના હેલ્થ ઈન્સપેક્ટર અને રેલવે હોસ્પિટલના સ્ટાફે તાબડતોબ યાર્ડમાં પહોંચી જઈ 200 જેટલા કર્મચારીઓને આંખમાં ટીપાં નાખી ગોળી આપી સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકાના ખારી રોહર ગામમાં પણ ગ્રામજનોને આંખમાં બળતરાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. ખારી રોહર ખાતે તાલુકા આરોગ્ય વિભાગની ટુકડી તાત્કાલિક પહોંચી હતી અને 150થી 200 જેટલા ગ્રામજનોને સારવાર આપી હતી. સવારે 7 વાગ્યાથી ગેસ લીકેજની અસર લગભગ દોઢ કલાક સુધી રહી હતી. ખારી રોહર, રેલવે યાર્ડ, સ્ટેશન સુધી અન ટાગોર રોડ સુધી અસર થતાં ચારથી પાંચ કિલોમીટર સુધી ગેસ લીકેજની અસર થઈ હતી. રેલવે હોસ્પિટલના તબીબેએ એમોનિયા ગેસ લીકેજ થયો હોવાનું જણાવી ગાંધીધામ સંકુલ માટે આ ઘટના ખતરાની ઘંટડી હોવાનુ ઉમેર્યું હતું. આ બનાવ અંગે રેલવે પ્રશાસને સુધરાઈ, પ્રદૂષણ નિયંત્રણ કચેરી વગેરેને જાણ કરાઈ હતી. જી.પી.સી.બી દ્વારા કંડલા અને તેની આસપાસના ઔદ્યોગિક એકમોમાં તપાસ કરાઈ હતી, પરંતુ કયાં અને કયો ગેસ લીકેજ થયો તેનો તાગ સાંજ સુધી મળી શકયો ન હતો. કંડલા નજીકના મીઠા પોર્ટ ખાતેના એકમમાં સવારના અરસામાં ગેસ લીકેજની ઘટના બની હોવાનો અંદાજ જાણકાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ જવાબદાર તંત્રોએ ત્યાં પણ કાંઈ ન હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કંડલામાં પણ ગેસ લીકેજના કારણે આંખમાં બળતરા થતી હોવાના બનાવ બહાર આવ્યા હતા. આજના બનાવમાં સદનસીબે કોઈને ગંભીર અસર થઈ ન હતી, પણ જો તંત્રો તકેદારી નહીં રાખે તો ગંભીર ઘટના બનશે તેવી દહેશત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer