ટેસ્ટ ક્રમાંકમાં પૃથ્વી અને રિષભની લાંબી છલાંગ

ટેસ્ટ ક્રમાંકમાં પૃથ્વી અને   રિષભની લાંબી છલાંગ
દુબઇ, તા. 1પ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઇસીસીની નવી ટેસ્ટ ક્રમાંક સૂચિમાં પહેલા સ્થાને જળવાઇ રહ્યો છે. જ્યારે પૃથ્વી શો અને રિષભ પંતે વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીમાં કરેલા ધમાકેદાર દેખાવને લીધે મોટી છલાંગ લગાવી છે. હૈદરાબાદ ટેસ્ટમાં 70 અને અણનમ 33 રનની ઇનિંગ રમનાર યુવા સનસની પૃથ્વી શો 13 ક્રમનો કૂદકો લગાવીને 69મા સ્થાને પહોંચી ગયો છે. તેણે રાજકોટમાં રમાયેલી પદાર્પણ ટેસ્ટમાં સદી કરીને આઇસીસી ક્રમાંકમાં 73મા ક્રમથી પ્રવેશ કર્યો હતો. બીજી તરફ વિકેટકીપર રિષભ પંતે રાજકોટ બાદ હૈદરાબાદમાં પણ 92 રનની ઇનિંગ રમી હતી. આથી તે 23 સ્થાનની છલાંગ લગાવીને 62મા નંબર પર પહોંચી ગયો છે. રહાણેને પણ 80 રનની ઇનિંગથી ચાર ક્રમનો ફાયદો થયો છે. તે 18મા નંબર પર છે. બોલિંગમાં બીજી ટેસ્ટમાં 10 વિકેટ લેનાર ઉમેશ યાદવ 4 સ્થાનના ફાયદાથી 2પમા ક્રમે આવી ગયો છે. કેરેબિયન સુકાની હોલ્ડર બોલિંગ ક્રમાંકમાં 9મા નંબર પર છે. જે તેની કેરિયરનો શ્રેષ્ઠ ક્રમ છે. જ્યારે 2-0ના વિજયથી ભારતીય ટીમના રેટિંગમાં 1 પોઇન્ટનો વધારો થયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer