નેત્રા : ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં સામસામે ફરિયાદ

નેત્રા : ધાર્મિક લાગણી દુભાવવાના   કેસમાં સામસામે ફરિયાદ
ગાંધીધામ, તા. 15 : નખત્રાણા તાલુકાનાં નેત્રા ગામમાં સોશિયલ મીડિયા ઉપર ધાર્મિક લાગણી દુભાવવાના ગઈકાલના પ્રકરણમાં સામસામે થયેલી મારામારીના બનાવમાં બંને પક્ષોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રસલિયાના રાજેશ અંબાલાલ જોશીએ નેત્રાના અમિત રમેશ બળિયા, લાલજી રામજી ગંઢેર, બિપિન સુમાર સીજુ, સિદ્ધાર્થ ઉર્ફે પ્રકાશ ચંદુલાલ ગંઢેર, સુમાર સીજુ, રમેશ બલિયા, દિનેશ તથા રામજી મીઠુ મારવાડી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. અમિત અને સિદ્ધાર્થે ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ ઉપર ધાર્મિક લાગણી દુભાય તેવા ફોટા અને ટિપ્પણી મૂકી હતી જે અંગે સમજાવવા જતાં તહોમતદારોએ કુહાડી, છરી, લાકડીઓ વડે હુમલો કર્યો હતો. તો સામા પક્ષે નેત્રાના નરેશ રામજી બળિયાએ ખાનાયના બળવંતસિંહ ઉર્ફે બલુ જાડેજા, નેત્રાના નયન ઠક્કર, સીટુ કતિરા, દર્શન પટેલ, રસલિયાના રાજેશ જોશી, નેત્રાના રમેશ ચૌહાણ તથા અન્ય 15થી 20 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સોશિયલ મીડિયા ઉપર વહેતી થયેલી ધાર્મિક પોસ્ટનું મનદુ:ખ રાખી આ તહોમતદારોએ લાકડી, ધોકા વડે હુમલો કરતાં નરેશ તથા અમિત અને અન્યોને ઈજાઓ પહોંચી હતી. સામસામે થયેલી મારામારીના આ બનાવમાં બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી હતી. બંને પક્ષોની ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તેમજ વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નેત્રાથી અમારા પ્રતિનિધિના જણાવ્યાનુસાર આ બનાવના ઘેરા પ્રત્યાઘાત ગામમાં પડયા હતા અને તેના વિરોધમાં ગામે સજ્જડ બંધ પાળ્યો હતો. નેત્રામાં આવો બનાવ ક્યારેય પણ બન્યો નથી અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નથી. આખી રાત પોલીસની ગાડીઓ ગામમાં રાઉન્ડ લગાવતી હોવાથી લોકો અચંબામાં મુકાયા છે. સવારથી બંધ બાદ બધા ગ્રામજનો નેત્રા સમાજવાડીમાં ભેગા થઈ બનાવનો સખત વિરોધ કરી આવેદનપત્ર મામલતદાર- કલેક્ટરને પાઠવી ઘટનાને વખોડી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer